Share
એસ.જી. હાઈવે સિક્સ લેન પુરો થાય ત્યારે ખરો પણ હાલમાં વાહનચાલકોને ગોતા બ્રિજ પાસે ભયંકર ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. સોલાના રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પુરું થયું નથી. તેના કારણે બ્રિજ શરૂ થતા પહેલાં ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આજે આ ડાઇવર્ઝનના કારણે ગોતાના બ્રિજ પર અડધે સુધી વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા અને કીડી વેગે ટ્રાફિક ચાલ્યો હતો.
શહેરના સૌથી વ્યસ્ત એસ.જી. હાઈવેની હાલમાં માઠી દશા ચાલી રહી છે. ટ્રાફિક જામ થાય નહીં અને વાહનચાલક સરળતાથી સરખેજથી સડસડાટ ગાંધીનગર પહોંચી શકે અને ગાંધીનગરથી નીકળેલો વાહનચાલક સરખેજ પહોંચી શકે તેના માટે બ્રિજ બનાવાયા છે. પરંતુ બ્રિજના અધૂરા કામના કારણે સૌથી વધુ હેરાન વાહનચાલકો જ થઈ રહ્યાં છે.
સૌથી વધુ તકલીફ ગોતા પાસે પડી રહી છે. ગાંધીનગર તરફથી આવતા અને ગોતાનો બ્રિજ ચડતા પહેલાં ટ્રાફિક સિગ્નલ નડે છે. ત્યાંથી વાહનચાલક ગોતાનો બ્રિજ ચડે અને અડધે પહોંચે ત્યારે ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. આજે સવારે ઓફિસ, ધંધા કે અન્ય કામકાજ અર્થે નીકળેલા હજારો વાહનચાલકો ગોતા બ્રિજના ટ્રાફિક જામમાં ફસાયા હતા.
વાહનચાલકોને એવું લાગ્યું કે કોઈ અકસ્માત થયો હશે તેના કારણે જામ લાગ્યો છે. પરંતુ વાસ્તવમાં ગોતાનો બ્રિજ ઉતર્યા બાદ સોલાના રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું છે અને ત્યાં ડાબી તરફ, ર્સિવસ રોડ જવાનું ડાયવર્ઝન અપાયું છે. આ ડાઇવર્ઝન પાસે ગમે તે કારણે વાહનોનો ભરાવો થઈ જતા કીડી વેગે ટ્રાફિક ચાલ્યો હતો. બીજી તરફ પાછળની સાઈડ ગોતાના બ્રિજ ઉપર અડધે સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા.
સોલાના રેલવે ઓવરબ્રિજના ડાયવર્ઝન પછી આખો રસ્તો ખાલી હતો છતાં પાછળની સાઈડ વાહનોનો જબ્બરજસ્ત ભરાવો થયો હતો. કયા કારણથી આટલો ભારે ટ્રાફિક જામ થયો તે વાહનચાલકોને સમજાયું નહોતું. ર્સિવસ રોડ પર વરસાદના કારણે થોડા ઘણા ખાડા હતા અને પાણી ભરાયા હતા પરંતુ તેના કારણે આટલો લાંબો ટ્રાફિક જામ થાય તે લોકોના ગળે ઉતર્યું નહોતું. જ્યાં સુધી સોલા રેલવે ઓવરબ્રિજ કાર્યરત થાય નહીં ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ તેવી વાહનચાલકોએ લાગણી વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 27, 2021