Cinemas May Open In Rajkot In First Week Of July, Multiplex Owners Demand Exemption From Two year GST
થિયેટરો ખુલશે?:રાજકોટમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં સિનેમાઘરો શરૂ થઈ શકે, મલ્ટિપ્લેક્સના માલિકોની બે વર્ષના GSTમાંથી મુક્તિની માંગ
રાજકોટ10 કલાક પહેલા
કૉપી લિંક
ફાઈલ ફોટો
રાજકોટના 7 મલ્ટિપ્લેક્સ કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ છે.
ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મલ્ટિપ્લેક્સને 2 વર્ષમાં અંદાજે 2થી 3 હજાર કરોડનું નુકસાન
રાજ્ય સરકાર દ્વારા આજથી મલ્ટિપ્લેક્સ થિયેટરોને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આમ છતાં પણ આજે રાજકોટના એક પણ મલ્ટિપ્લેક્સ શરૂ કરવામાં આવેલ નથી. જેમાં એક બે બાદ કરતાં બાકીના બધા મલ્ટિપ્લેક્સ જુલાઇ મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં કુલ 7 મલ્ટિપ્લેક્સ આવેલા છે. જે તમામ કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ છે. જેમાં વચ્ચે કોરોના હળવો પડતા 15 થી 20 દિવસ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ બીજી ઘાતક લહેર શરૂ થતા ફરી મલ્ટિપ્લેક્સ બંધ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ આજથી ફરી મલ્ટિપ્લેક્સ શરૂ કરવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હજુ કોઇ મલ્ટિપ્લેક્સ શરૂ કરવામાં આવ્યા નથી.
ગુજરાતમાંથી કુલ 250 કરોડ આસપાસ GST ટેક્સ સિનેમાઘરના માલિકો ભરપાઇ કરે છે
સિનેમાઘરોને મોટા પ્રમાણમાં નુકસાન થયું
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખ અને રાજકોટ કોસમોપ્લેક્ષ સિનેમાઘરના મલિક અજય બગડાઇએ જણાવ્યું હતું કે, આજથી સરકારે 50 ટકા ક્ષમતા સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરવા મંજૂરી આપી છે. પરંતુ રાજકોટમાં આજે એક પણ મલ્ટિપ્લેક્સ શરૂ થયા નથી. છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી મલ્ટિપ્લેક્સ બંધ રહેવાથી મોટા પ્રમાણમાં નુકશાન થયું છે જેની સામે સરકાર પાસે મુખ્ય 3 માંગ કરવામાં આવી રહી છે. જેમાં GST બાદ આપવા,વિજબીલમાં રાહત આપવા અને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માંગનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કુલ 250 કરોડ આસપાસ GST ટેક્સ સિનેમાઘરના માલિકો ભરપાઇ કરી રહ્યાં છે.
બેલબોટમ મુવીથી શરુઆત થવાની શક્યતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેર બાદ 15 થી 20 દિવસ સુધી મલ્ટિપ્લેક્સ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં જુની ફિલ્મો બતાવવામાં આવી હતી. ત્યારે હવે બીજી લહેર બાદ છૂટ મળતા આજે તો સીનેમાઘર શરૂ કરવામાં આવ્યા નથી. પરંતુ આગામી જુલાઇ મહિનામાં રિલીઝ થતા બેલબોટમ મુવીથી મલ્ટિપ્લેક્સ શરૂ કરવામાં આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખ અને રાજકોટ કોસમોપ્લેક્ષ સિનેમાઘરના મલિક અજય બગડાઇ
ગુજરાતમાં મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના ઉપપ્રમુખએ વધુમાં કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 2 વર્ષમાં અંદાજે રૂ.2થી 3 હજાર કરોડનું નુકસાન થયું છે અને અમે આમ જ નુકસાન ભોગવી રહ્યા છીએ. નફો થતો નથી, જેનાથી મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે. હાલ મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ એ અંગે અસમંજસ છે. હાલ જૂનાં મૂવી બતાવવા પડે એવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ રવિવારે તો કોઈ થિયેટર શરૂ થવાનું નથી અને થશે તો એ પણ જુલાઈના પહેલા- બીજા વીકથી.
અન્ય સમાચારો પણ છે...