Share સુરતના ઝઘડિયાની ટી.જી. સોલાર કંપનીમાં કાર ભાડે મુકાવી જંગી કમિશન અને મોટા ભાડાની લાલચ આપી શહેરના એજન્ટ, તેમના સંબંધીઓ અને મિત્રો પાસેથી 272 જેટલી કાર ભાડે લઇ બારોબાર વેચી દેવાના કૌભાંડમાં મહાઠગ કેતુલ પરમારની ધરપકડ બાદ પોલીસે અમદાવાદ, સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્ર પંથકમાં વેચી દેવાયેલી રૂપિયા 4.50 કરોડની 200 કાર કબજે લઇ મૂળ માલિકોને પરત અપાવવાની કવાયત હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે વિઝિટિંગ કાર્ડ ઉપર ટ્રાવેલ્સ કંપની ચલાવતા કેતુલ પરમાર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગત મહિને ગુનો દાખલ થયો હતો. બનાસકાંઠાના મેગાવ ગામના વતની અને હાલ કીમ સાંઇ સ્વામી રેસિડેન્સીમાં રહેતા કેતુલ ઉર્ફે કેતન પ્રવીણ પરમારે છેલ્લા 10 મહિના દરમિયાન ઠગ ટોળકીની સાઠગાંઠમાં આ કૌભાંડ શરૂ કર્યું હતું. દર મહિને 25-50 હજાર સુધીના ઊંચા ભાડાની લાલચ આપવામાં આવતાં 272 કારના માલિકોએ કેતુલને ગાડીઓ ધરી દીધી હતી. કેટલાકે તો લોન ઉપર નવી કાર લઇ આ ઠગોને ધરી દીધી હતી. પોલીસ તપાસમાં ઝઘડિયામાં ટી.જી.સોલાર નામની કોઇ કંપની ન હોવાનું બહાર આવ્યું હતું. કેતુલે મળતિયાઓ સાથે મળી સમગ્ર કારસો રચી 272 બારોબાર વેચી દીધી હતી. દરમિયાન બોટાદ એલ.સી.બી.એ કેતુલને 19 વાહનો સાથે ઝડપી લીધો હતો. બોટાદ પોલીસ પાસેથી કબજે મેળવી ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ કેતુલ પરમારના સાત દિવસના રિમાન્ડ મેળવી 272 કાર ક્યાં ક્યાં વગે કરી તે અંગે પૂછપરછ હાથ ધરી હતી. વાહનમાલિકોને કાર પરત મળે તે માટે ઇકોનોમિક ઓફેન્સ વિંગ અને એસઓજીની અલગ-અલગ ટીમ બનાવી બારડોલી, કામરેજ, બોટાદ, ભાવનગર, ધોળકા, ધંધુકા, ઘોઘા, રાજકોટ, જામનગર, અમદાવાદ, મહારાષ્ટ્રના નંદુરબાર, નવાપુર, જલગાંવ ખાતે જઇ અહીં વેચી દેવાયેલી 200 કાર કબ્જે લેવાઇ હતી. પોલીસે 4.50 કરોડની આ 200 કાર મૂળ માલિકોને પરત અપાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કૌભાંડમાં બારોબાર કાર ખરીદનારા અને કેતુલના મળતિયાઓને પકડી પાડવા પોલીસે વર્કઆઉટ શરૂ કર્યુ છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery