DivyaBhaskar News Headlines: NEET Exam Forms Can Be Filled Online From Today, Lord Jagannath's Rathyatra In Ahmedabad Completed In 4 Hours મોર્નિંગ ન્યૂઝ પોડ કાસ્ટ:NEETની પરીક્ષાના ફોર્મ આજથી ઓનલાઈન ભરી શકાશે, ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 4 કલાકમાં પૂરી 13 કલાક પહેલા કૉપી લિંક નમસ્કાર, આજે મંગળવાર છે, તારીખ 13 જુલાઈ, અષાઢ સુદ ત્રીજ આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) MBBSના પ્રવેશ માટે જરૂરી NEETની પરીક્ષાના ફોર્મ આજથી ભરાશે, NTA વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની મૂકાશે લિંક 2) હાઇકોર્ટેમાં ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશનની PILનું છેલ્લું હિયરિંગ, હાઇકોર્ટ ચૂકાદો આપી શકે છે 3) ગુજરાતના તમામ જિલ્લાઓ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદની સંભાવના 4) PM મોદી સવારે 11 વાગ્યે પૂર્વોતરના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી કોરોનાની સ્થિતિની ચર્ચા કરશે હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો 1) અમદાવાદમાં નગરના નાથ 14 કલાકની નગરચર્યાનું 22 કિ.મી.નું અંતર 4 કલાકમાં પૂરું કરી નિજમંદિરે પરત, રૂટ પરના તમામ વિસ્તારો કર્ફ્યૂમુક્ત અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. સવારે 7ને 10 મિનિટે શરૂ થયેલી રથયાત્રા 10ને 50 મિનિટે પૂર્ણ થઈ હતી. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પૂરી થઈ ગઈ હતી. આ સાથે જ રથયાત્રા વહેલી પૂરી થતાં 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલો કર્ફ્યૂ ઉઠાવી લેવામાં આવ્યો છે, આ પહેલાં 2 વાગ્યા સુધીનો કર્ફ્યૂ હતો. જગન્નાથ રથયાત્રાનું શાંતિપૂર્ણ રીતે સમાપન થતા સરકારને હાશકારો થયો હતો. 2) બીજી વેવમાં ગુજરાતમાં પહેલીવાર એક પણ શહેર કે જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નહીં, રાજ્યમાં માત્ર 32 નવા કેસ, એકનું મોત રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. બીજી વેવમાં રાજ્યમાં સતત બીજીવાર 50થી ઓછા કેસ નોઁધાયા છે. 20 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. 10 જિલ્લા અને 2 કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે. દરમિયાન 24 કલાકમાં 161 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.68 ટકા થયો છે. 3) સ્વીટીના ગુમ થયા બાદ કોઈ સગડ ન મળતાં SOGના PI દેસાઈનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા કોર્ટે મંજૂરી આપી વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ. દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં પીઆઇના બંને ટેસ્ટ કરવામાં આવશે. બીજી બાજુ પોલીસની ટીમો છેલ્લા 6 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આજે પણ સર્ચની કામગીરી ચાલુ રહી હતી. પરંતુ, પોલીસને ગુમ થયેલી સ્વીટી પટેલના કોઇ સગડ મળ્યાં નથી.મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ પોલીસે PI દેસાઈના સીડીએસ ટેસ્ટ કર્યા હતાં. 4) ધોરાજીમાં પરિણીત મુસ્લિમ શખસે હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, સો.મીડિયામાં કલમા મોકલી મૌલવી પાસે ધર્મ અંગીકાર કરવા ધમકી ધોરાજીમાં મુસ્લિમ શખસે હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ધમકી આપી હતી. આ અંગેની લવજેહાદની રાજકોટ જિલ્લામાં પ્રથમ ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મુસ્લિમ શખસ પરિણીત છે અને યુવતીને પોતાની ચુંગાલમાં ફસાવી હતી. સોશિયલ મીડિયામાં ધાર્મિક કલમા મોકલી યુવતીને રૂબરૂમાં મળી મૌલવી પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લે તેવી ધમકી આપી માનસિક ત્રાસ આપતો હતો. આથી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 5) પહેલી પેઢીની કંપનીમાં 100 અબજ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશન પર પહોંચનારૂ અદાણી ગ્રુપ પહેલું સોમવારે અદાણી ગ્રુપની ઓનલાઈન વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી અને ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શેરધારકોને સંબોધ્યા હતા. આ AGMમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ નવા નાણાકીય વર્ષના પહેલા જ સપ્તાહમાં અમારી લિસ્ટેડ કંપનીઓના પ્રદર્શનથી અમારા નવા પોર્ટફોલિયોનું માર્કેટ કેપિટલાઈઝેશન 100 અબજ ડોલરને વટાવી ગયું છે. મૂલ્યાંકનનું આ આ સીમાચિહ્ન પ્રથમ પેઢીની ભારતીય કંપની માટે પ્રથમ છે. 6) વીજળી પડતાં UP, અને MP રાજસ્થાનમાં 65થી વધુ લોકોનાં મોત, PM મોદીએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું દેશમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાને કારણે 60થી વધારે લોકોનાં મોત થયાં છે. જ્યારે મધ્યપ્રદેશમાં વીજળી પડવાને કારણે 7થી વધારે લોકોનાં મોત થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજળી પડવાને કારણે થયેલા મૃતકોનાં પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં લખ્યું છે કે રાજસ્થાનના અમુક વિસ્તારોમાં વીજળી પડવાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. એને કારણે ખૂબ દુઃખ થયું. હું મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. 7) પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાયું, સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારના 60 હિન્દુને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવ્યોનો વીડિયો વાઇરલ પાકિસ્તાનમાં ફરી એક વખત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એકસાથે 60 હિન્દુને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. ધર્મપરિવર્તન જે સમયે કરાયું એ સમયનો પણ વીડિયો બહાર આવ્યો છે. વાઈરલ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો છે, જે જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનું ગઢ બની ગયો છે. 8) કોરોના મુદ્દે IMAએ આપી ચેતવણી, મેડિકલ એસોસિએશને કહ્યું- ત્રીજી લહેર નજીક; ટૂરિઝમ અને ધાર્મિક યાત્રાઓને વધુ કેટલાંક મહિના રોકી શકાય ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કોરોના અંગે ચેતવણી આપી છે. IMAએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર નજીક છે અને આવી સ્થિતિમાં પર્યટન અને ધાર્મિક પ્રવાસો થોડા વધુ મહિનાઓ સુધી રાહ જોઈ શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે દેશના ઘણા ભાગો અનલોક થઈ ગયા છે અને પર્યટક સ્થળોએ લોકોના ટોળા એકઠા થવા લાગ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં લોકો જે રીતે દેશમાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે, આઇએમએ આ મામલે ઊંડુ દુ: ખ વ્યક્ત કર્યુ છે. મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં 1) જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, છ ઓગસ્ટે રાજ્યસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ પર થશે ચર્ચા 2) કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભારે વરસાદ; બિહારના 14 જિલ્લામાં યલો અલર્ટ 3) મોનસૂન સેશન પહેલાં લોકસભામાં કોંગ્રેસના લીડર પદ પરથી હટાવવામાં આવી શકે છે અધીર રંજન, બંગાળ ચૂંટણી પછી પાર્ટી નેતૃત્વને લઈને સવાલ ઉઠ્યા હતા 4) વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે રથયાત્રા પ્રસંગે લોકોને શુભકામના પાઠવી, ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આરતી ઉતારી આજનો ઈતિહાસ વર્ષ 1929માં આજના દિવસે લાહોર જેલમાં જતિન્દ્રનાથ દાસે ઉપવાસ શરૂ કર્યો હતો, 63 દિવસ બાદ તેમની શહીદી સાથે તે પૂરો થયેલો. અને આજનો સુવિચાર પરાજય શું છે? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.– વેન્ડેલ ફિલિપ્સ તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું.. અન્ય સમાચારો પણ છે...