Share મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવી લીધું હોય તેમ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે અડધાથી સવા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વીજળીના કડાક-ભડાકા સાથે સચરાચર મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. નડિયાદમાં 3.25 ઈંચ, ભૂજમાં 3 ઈંચ, રાધનપુરમાં 2.5 ઈંચ અને સાપુતારામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વહાલ વરસાવ્યું હતું. રવિવારની મધ્ય રાત્રીનાં ભારે ગાજવીજ સાથે જિલ્લાના મુખ્યમથક ભુજમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભચાઉમાં 35 મિ.મી.અંજારમાં 16 મિ.મી.ગાંધીધામમાં 10 મિ.મી.નખત્રાણામાં 20 મિ.મી.મુન્દ્રામાં 46 મિ.મી. માંડવીમાં 37 મિ.મી.રાપરમાં 14 મિ.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં સોમવારે મળસ્કે એકથી બે ઇચ સુધી વરસાદ પડયો હતો. આહવામાં 1 ઈંચ, વઘઇ ખાતે સવા ઈંચ, સાપુતારા ખાતે માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડયો હતો. સાપુતારા અને તેની તળેટીના ગામોમાં પડેલા મુશળધાર વરસાદથી પ્રસિધ્ધ ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો થયો હતો. વલસાડ જિલ્લામાં સોમવારે બપોરે 4 વાગ્યા સુધીમા ઉંમરગામમાં 09 મિ.મી, કપરાડામાં 07 મિ.મી, પારડીમાં 14 મિ.મી, વાપીમાં 19 મિ.મી વરસાદ નોંધાયો હતો. અષાઢીબીજના દિવસે પણ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા તાલુકામાં ઝાંપટાથી લઈ બે ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. મધરાતે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર જિલ્લામાં ઝાપટાથી એક સુધીનો વરસાદ પડયો હતો. સવારે પણ 11 તાલુકામાં મેધ સવારી યથાવત રહેતા ખેડૂતો રાજી થઈ ગયા છે. આજ રીતે માંગરોળમાં સવારે 01 કલાકમાં એક ઈંચ વરસાદ પડયા બાદ ફરી 10 વાગ્યાથી વરસાદ થયો હતો. રવિવારે કુતિયાણા માં દોઢ ઈંચ વરસાદ વરસ્યા બાદ રાત્રી દરમ્યાન વધુ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો પોરબંદરમાં પણ સવારે 06 સુધીમાં 05 મીમી વરસાદ વરસ્યો છે અને રાણાવાવમાં પણ વરસાદી ઝાપટા પડયા છે. સવારથી જીલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. 09 તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. રાધનપુરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. પાટણના વાળીનાથ ચોકમાં વીજળી પડતા સોસાયટીઓના મકાનની છતને નુકસાન થયુ છે.મહેસાણા અને પાટણ જિલ્લામાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડયો છે. આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સાબરકાંઠા અને અરવલ્લીના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠામાં દોઢથી બે ઈંચ વરસાદ પડયો છે. જ્યારે અરવલ્લીમાં અડધા ઈંચથી વધુ પાણી વરસ્યુ છે.આ વરસાદથી ૩ લાખ હેક્ટરથી વધુના પાકને જીવતદાન મળ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. ધંધૂકા પંથકમાં તો જાણે ખેતીના વિવિધ પાકને જીવતદાન મળી ગયુ છે. ખેડા જિલ્લામાં રવિવારથી ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી છે. નડિયાદમાં 3.25 ઈંચ વરસાદ ખાબકતા અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં સરેરાશ 1.25 ઈંચ વરસાદ વરસ્યો છે. મહેમદાવાદમાં બે તથા વસોમાં 1 ઈંચ વરસાદ પડયો છે.જ્યારે તારાપુરમાં સવા બે, સોજીત્રામાં બે અને પેટલાદમાં પોણો ઈંચ વરસાદ પડયો છે. આ જ રીતે સમગ્ર ચરોતરમાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery