How To Get Covexin? The Center Is Repeatedly Reducing The Supply Figures Of Covexin ... Production Is Even Lower ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કોવેક્સિન કેવી રીતે મળશે? - કેન્દ્ર વારંવાર કોવેક્સિનના પુરવઠાના આંકડા ઘટાડી રહ્યું છે, ઉત્પાદન તેનાથી પણ ઓછું! નવી દિલ્હી6 કલાક પહેલા કૉપી લિંક કોવેક્સિન - ફાઇલ તસવીર સરકારી દાવા છતાં અત્યાર સુધી કોવેક્સિનનું ઉત્પાદન વધી શક્યું નથી, દર મહિને 7.5 કરોડ કોવેક્સિન નહીં મળે તો રસીકરણની ગતિ ધીમી પડી જશે. 4 કંપનીઓ કોવેક્સિન બનાવી રહી છે... બેમાં ચાલુ વર્ષે ઉત્પાદન મુશ્કેલ, એકમાં સપ્ટે.-ઓક્ટો.થી ઉત્પાદન થશે, માત્ર એકમાં રસી બની રહી છે ઓક્ટોબર 2021થી કોવેક્સિનના 4.4 કરોડ ડોઝ દર મહિને બની શકે છે દેશની જંગી વસતીને ધ્યાનમાં લઈ રસીકરણની ગતિ જાળવી રાખવી જરૂરી છે પણ તેમાં સૌથી મોટી અડચણ હવે રસીની ઉપલબ્ધતા રૂપે આવી રહી છે. સરકારી દાવા અને વાસ્તવિક્તા વચ્ચેનો ફરક રસીકરણની ગતિને ધીમી કરી રહ્યો છે. સરકારે રસીના તાજા ઓર્ડર સાથે એવી માહિતી આપી હતી કે ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન કોવેક્સિન અને કોવિશીલ્ડના કુલ 88 કરોડ ડોઝનું ઉત્પાદન થશે તેમાંથી 75 ટકા કેન્દ્ર સરકાર અને 25 ટકા ખાનગી હોસ્પિટલો માટે હશે. તેમાંથી 50 કરોડ કોવીશીલ્ડ અને 38 કરોડ ડોઝ કોવેક્સિનના હશે. આ આંકડા આમ તો કોવેક્સિનની ઉપલબ્ધતાના અગાઉના આંકડા અને કંપનીના પોતાના દાવા કરતા ઘણા ઓછા છે પણ ભાસ્કરની તપાસમાં જણાયું કે કંપનીના હાલના માળખાને જોતાં ઓગસ્ટ-ડિસેમ્બર દરમિયાન 38 કરોડ ડોઝ મળવા પણ મુશ્કેલ છે. કોવેક્સિનનું ઉત્પાદન અત્યારે દર મહિને 2.5 કરોડ ડોઝનું છે. જુલાઈમાં આ વધીને 7.5 કરોડનું થવાનું હતું. પરંતુ કંપની 2.5 કરોડ ડોઝ જ ઉપલબ્ધ કરાવી શકી. કેન્દ્ર સરકારે 26 જૂને સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલા પૂરક સોગંદનામામાં જુલાઈમાં 2 કરોડ રસીનો ડોઝ મળવાની વાત કરી હતી. ઉત્પાદન વધારવા જે 3 કંપનીઓ સાથે કરાર કર્યા તેમાંથી 2માં હજુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ ચાલે છે. ત્રીજી કંપનીએ 15 જુલાઈથી 20 લાખ ડોઝ બનાવવાનું શરૂ કર્યું છે. ભારત બાયોટેકની સબસિડિયરી ચિરોન બહેરીગેં પણ કોવેક્સિન ઉત્પાદનનો દાવો કર્યો છે. મેમાં 49.1 કરોડઃ મે-જૂનમાં કેન્દ્ર સરકારે વેક્સીન ઉત્પાદનનું સમયપત્રક રજૂ કર્યુંં. તે મુજબ ઓગસ્ટ-ડિસેમ્બરमમાં કોવેક્સિનના 49.1 કરોડ ડોઝ મળવાના હતા. જૂનમાં 40 કરોડઃ 26 જૂને સુપ્રીમકોર્ટમાં દાખલ કરેલા કેન્દ્રના પૂરક સોગંદનામામાં ઓગસ્ટ-ડિસેમ્બરમાં કોવેક્સિનના 40 કરોડ ડોઝ મળવાની વાત કરી હતી. જુલાઈમાં 38 કરોડઃ જુલાઈમાં કેન્દ્રએ કહ્યું કે ઓગસ્ટ-ડિસેમ્બર દરમિયાન કોવેક્સિન-કોવિશીલ્ડના 88 કરોડ ડોઝ બનશે. તેમાંથી કોવેક્સિનના 38 કરોડ ડોઝ હશે. કંપનીનો દાવો 100 કરોડઃ ભારત બાયોટેકે 20 મેના રોજ દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2021 સુધીમાં કંપની કુલ 100 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે. વાસ્તવિક્તાઃ કંપની અત્યાર સુધી દર મહિને 2.5 કરોડ ડોઝ જ બનાવી શકી છે. ઉત્પાદન વધારવા માટે ભારત બાયોટેકે 3 કંપનીઓ સાથે કરાર કર્યો અને એક સબસિડીયરીને પણ ઉત્પાદનમાં જોડી પણ હજુ સુધી માત્ર એક કંપનીના એક યુનિટમાં ઉત્પાદન શરૂ થઈ શક્યું છે... તે પણ દર મહિને 20 લાખ ડોઝ. હાફ કાઈન, મુંબઈ 1.9 કરોડ ડોઝ દર મહિને ડિસેમ્બરથી સરકારી દાવા મુજબ બનવાના હતા હકીકતઃ જનરલ મેનેજર સુભાષ શંકરવાર કહે છે કે ટેક્નોલોજી ટ્રાન્સફર શરૂ થઈ ગઈ છે. પરંતુ પ્રોજેક્ટ પ્લાન્ટ સહિત અન્ય ચીજ હજી એપ્રુવલ પ્રોસેસમાં છે. પ્રોડક્શન ક્યારે શરૂ થશે... તેની ટાઈમલાઈન હજી તૈયાર કરાઈ રહી છે. જાહેરાત ટૂંકમાં થશે. બીબકોલ (બુલંદ શહેર) 1 કરોડ ડોઝ દર મહિને સરકારી દાવા મુજબ ડિસેમ્બરથી બનવાના હતા હકીકતઃ ભારત બાયોટેકની ટીમ લેબની સ્થાપના કરી શકી નહીં. કેન્દ્રની 30 કરોડની ગ્રાન્ટ લેબ અને યુનિટ પર ખર્ચાઈ ચૂકી છે. બીએસએલ-3 સુવિધા માટે વધારાની ગ્રાન્ટ માંગી છે. વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા કહે છે કે ડિસેમ્બર સુધીમાં ઉત્પાદન શરૂ થશે. આઈઆઈએલ હૈદરાબાદ 50 લાખ ડોઝ દર મહિને ઉત્પન્ન કરવાનો ભારત બાયોટેકનો દાવો છે હકીકતઃ ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ્સ લિમિટેડના એમડી ડૉ. આનંદકુમાર કહે છે કે 15 જુલાઈથી અહીં 1 યુનિટમાં દર મહિને 20-30 લાખ ડોઝ બની રહ્યા છે. બીજુ યુનિટ હજી તૈયાર થઈ રહ્યું છે. ત્યારપછી 50 લાખનું ઉત્પાદન શક્ય બનશે. ચીરોન બહેરીંગ, ગુજરાત 2 કરોડ ડોઝ મહિને આ સબસિડિયરીમાં ઉત્પાદન કરવાનો ભારત બાયોટેકનો દાવો છે હકીકતઃ અંકલેશ્વરમાં જૂનમાં ઉત્પાદન શરૂ થવાનું હતું. સૂત્રો મુજબ રોમટીરિયલની ઘટ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ઉત્પાદન શરૂ થવાની આશા છે. અહીં વર્ષના 20 કરોડ એટલે કે મહિને 1.6 કરોડ ડોઝ બની શકશે. આ કંપનીના સત્તાવાર દાવા કરતાં ઓછા છે. આપણે ઓગસ્ટથી 7.5 કરોડ ડોઝ દર મહિને જોઈએ ભારત બાયોટેકે હજી સુધી દર મહિનાના રસી ઉત્પાદનનો કોઈ બ્રેકઅપ જાહેર કર્યો નથી. બિન સત્તાવાર આંકડા મુજબ અત્યારે કંપની દર મહિને 2.5 કરોડ ડોઝ જ બનાવી રહી છે. જો આઈઆઈએલમાં દર મહિને ઉત્પાદન 20 લાખથી વધારી 30 લાખ થાય અને ચીરોન બહેરીંગમાં ઓક્ટોબર સુધીમાં દર મહિને 1.6 કરોડ ડોઝ બનવા લાગે તો કુલ વેક્સીન ઉપલબ્ધતા 4.40 કરોડ થશે. સરકારી દાવા મુજબ ઓગસ્ટથી દર મહિને 7.5 કરોડ કોવેક્સિન ડોઝનું ઉત્પાદન થવાનું છે. અમદાવાદથી ચિંતન આચાર્ય, મુંબઈથી વિનોદ યાદવ, બુલંદ શહરથી એમ. રિયાઝ હાશમી અને હૈદરાબાદથી એમ.એસ. શંકરનો રિપોર્ટ (ઇનપુટઃ પ્રમોદકુમાર) અન્ય સમાચારો પણ છે...