Share ૧૮ જૂલાઈથી લોકસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે. તે પહેલા કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ નક્કી મનાય છે. આ વિસ્તરણમાં ગુજરાતમાંથી નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલને મંત્રીપદ મળશે તેવી પૂરેપૂરી શક્યતા જોવાય છે. ગતવર્ષે જૂલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.આર.પાટીલને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવ્યા હતા. પાટીલે ૧૧ મહિનાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર તમામ જિલ્લા- તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મ્યુ. કોર્પોરેશનમાં ભાજપને શાસન અપાવ્યુ, કોંગ્રેસનું સાવ કચ્ચરઘાણ વળ્યુ હતુ. પેજ પ્રમુખના પ્રયોગથી મેળવેલી સફળતા અને યોગ્યતાને આધારે પાટિલને મંત્રીમંડળમાં સ્થાન મળશે. ગુજરાત ભાજપનું સૂકાન સંભાળ્યા અગાઉ પાટિલ કર્ણાટક, બિહાર અને છેલ્લે તમિલનાડૂની વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપ સંગઠનમાં રણનીતિકાર તરીકે તેમની મહત્વની ભૂમિકા રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાતમાંથી ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગૃહમંત્રી છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં પોર્ટ, શિપિંગ, કેમિકલ્સ મંત્રી છે. જ્યારે પુરસોત્તમ રૂપાલા રાજ્યકક્ષાના કૃષિ મંત્રી તરીકે છે. હવે ચોથા મંત્રી તરીકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલનો સમાવશે થશે. દક્ષિણ ગુજરાત ક્ષેત્રને કાશીરામ રાણા પછી સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યુ નથી. સ્થાનિક સ્તરે એ લાગણીને ન્યાય આપવા પણ પાટિલને ભારત સરકારમાં સ્થાન મળે તેવી રાજકીય ગણતરી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery