આને કહેવા&#x

આને કહેવાય - કોરોનાના મહાભારતમાં વેક્સિનની રામાયણ!


48
Share
‘અરે… ઓ જમ્બુરા…!’
‘બોલો ઉસ્તાદ…
‘જનતા જનાર્દનને આજે તું કયો નવો ખેલ બતાવવાનો છે…?’
‘આજે હું બે ખેલ બતાવવાનો છું. એક નવો અને બીજો જૂનો.’
‘નવો ખેલ શેનો છે?’
‘નવો ખેલ છે વેક્સિનનો! આ ખેલની મજા એ છે ઉસ્તાદ, કે આ ખેલ ખુદ વેક્સિન પોતે જ બતાવે છે!’
‘આ તો મોટો ચમત્કાર કહેવાય જમ્બૂરા!’
‘આને ચમત્કાર નહીં, જાદુ કહેવાય, વેક્સિનનો જાદુ! સરકાર કહે છે : ‘વેક્સિન લો… વેક્સિન લો’ અને વેક્સિન આપનારા ‘નો… વેક્સિન, નો… વેક્સિન’ કહીને વેક્સિન લેવા આવેલા લોકોને, વગર વેક્સિને પાછા મોકલે છે. ઓફિસમાલિકો સ્ટાફને વેક્સિન લીધા પછી જ નોકરીએ આવવાની ફરજ પાડે છે, બિચારા નોકરિયાત લોકો જાય ક્યાં?’
‘જમ્બૂરા, સારું છે ને તું નોકરિયાત નથી, નહીંતર તારી પણ આ જ દશા થાત ને?’
‘ના ઉસ્તાદ, મેં તો વેક્સિનના બંને ડોઝ લઈ લીધા…Online!’  ‘Online? જમ્બૂરા, તેં Online વેક્સિન લીધી?’
‘હા ઉસ્તાદ! લાઇનમાં ઊભા રહેવાની મગજમારી નહીં અને મારામારી પણ નહીં.’
‘રસીની લાઇનમાં મારામારી થાય છે?’
‘થાય જ ને! હજાર કામ પડતાં મૂકીને લોકો વેક્સિન લેવા આવે… આમ તો લોકો આવે એમ નથી, પણ સરકાર બિચારી જાહેરાતો કરીને, રાડારાડ કરીને વેક્સિન લઈ લેવાની સૂચના ઉપર સૂચના આપે છે.. લોકો વહેલી સવારથી બ્રશ કરતા કરતા આવી જાય અને પોલીસ એમને ધક્કા મારીને પાછા ધકેલે…’
‘પોલીસ ધક્કા મારે છે?’ ‘હા, એ તો જેની પાસે દંડા નથી એ ધક્કા મારે છે. બાકી તો…’  ‘સ્ટોકમાં નહીં હોય, નહીંતર આવું ન થાય.’
‘દંડા તો સ્ટોકમાં હોય જ ને! તમેય કેવી વાત કરો છો ઉસ્તાદ!’
‘અરે હું દંડાની વાત નથી કરતો જમ્બૂરા… વેક્સિનની વાત કરું છું. વેક્સિનનો સ્ટોક ખૂટી ગયો હશે.’
‘એની મને ખબર નથી, પણ હવે તો ધીરજ અને સંયમનો સ્ટોક ખૂટી ગયો હોય એમ લાગે છે.’  ‘ખૂટી જ જાય ને, લોકો ક્યાં સુધી આ પ્રકારની મજાકનો ભોગ બને.’  ‘અરે ઉસ્તાદ હું લોકોની ધીરજ અને સંયમની વાત નથી કરતો, એ તો એમને આઝાદી પછી ગિફ્ટમાં મળેલી જ છે, હું તો બિચારા પોલીસ કર્મચારીઓની વાત કરું છું. એમનામાંય ધીરજ અને સંયમ ખૂટી જ જાય ને?’
‘જમ્બૂરા!’ ‘હુકમ ઉસ્તાદ!’ ‘વેક્સિનની આવી રામાયણ ક્યાં સુધી ચાલશે?’  ‘જ્યાં સુધી કોરોનાનું મહાભારત ચાલતું રહેશે ત્યાં સુધી આવી રામાયણ ચાલતી જ રહેવાની.’
‘આનો કોઈ ઉપાય?’  ‘છે ને! આનો એક જ ઉપાય છે કે સૌએ માસ્ક પહેરી, ભેગા થઈને પ્રાર્થના કરવાની કે, હે ભાઈ કોરોના, ઘડીક થંભી જા… નિહત્થે પર તો શત્રુ ભી પ્રહાર નહીં કરતા. જ્યાં સુધી વેક્સિનનું શસ્ત્ર અમારી પાસે ન આવે ત્યાં સુધી અમારા પર એટેક કરવાને બદલે તું ઇનએક્ટિવ બની જા.’ ‘પ્રાર્થના કરવાથી એ શક્ય બનશે?’  ‘એની ખબર નથી, પણ એ બહાને બધા વેક્સિનેશન બૂથ પર જતા અટકશે અને લોકો ધક્કા અને દંડા બંને ખાવામાંથી બચી જશે!’
‘આજનો તારો બીજો ખેલ શેનો છે જમ્બૂરા?’
‘હજુ આ ખેલની છેલ્લી વાત બાકી છે, સાંભળો : ગઈકાલે ભગવાન મારા સપનામાં આવ્યા. મને કહ્યું, માંગ જંબૂરા માંગ, તું માંગે તે આપું! મેં તો માત્ર એટલું જ માંગ્યું’તું કે હે પ્રભુ, મારે બીજું કાંઈ ન જોઈએ, બસ બીજો ડોઝ બાકી છે. તારીખ ડયૂ થઈ ગઈ છે. આપવું જ હોય તો વેક્સિનનો બીજો ડોઝ અપાવી દો.’
‘અરે વાહ! પછી, ભગવાને શું કહ્યું?’  ‘અરે, એ તો કશુંય બોલ્યા-ચાલ્યા વિના એકદમ અદૃશ્ય જ થઈ ગયા! હવે રજૂ કરું છું મારે બીજો ખેલ.’
‘એ શેના વિશેનો છે?’  ‘લોકશાહીનો!’
‘લોકશાહીનો…? અરે… એ તો બહુ જૂનો ખેલ છે!’  ‘તો શું થયું…? આ એવો ખેલ છે, જે આપણા નેતાઓ છેલ્લા પચાસેક વર્ષોથી જનતા સાથે કરતા આવ્યા છે અને જનતા બિચારી ભોળાભાવે એ ખેલને જોઈ રહી છે…!’
‘મને લાગે છે કે તું સુધરવાનો નહીં…’  ‘લોકશાહીમાં કોઈ બગડતું જ નથી, પછી સુધરવાનો તો પ્રશ્ન જ પેદા નથી થતો ઉસ્તાદ…!’
‘તું કયા રાજકીય પક્ષને માને છે…?’
‘અરે ઉસ્તાદ, તમે મારા ઉસ્તાદ ખરા, પણ ખેલ પૂરતાં! આવો સવાલ પૂછીને મારી ઘરવાળીના અધિકાર પર તરાપ ન મારો…’
‘અરે… જમ્બૂરા, તું આટલો બધો ડરપોક? તારી ઘરવાળીથી ડરે છે?’ ‘ડરવું પડે ઉસ્તાદ…! મારામાં અને તમારામાં આટલો જ ફેર… કે હું ઘરવાળીથી ડરું છું, અને તમે…!!’ ‘જમ્બૂઉઉરાઆઅઅ…આ…! જબાન પર લગામ રાખ…’
‘વાત કડવી લાગીને…? સાચી વાત હંમેશાં કડવી લાગે ઉસ્તાદ!’
‘ચાલ, એ વાત જવા દે… જનતાને તારું નામ અને કામ બતાવી દે..’ ‘મારું નામ અને કામ પણ લોકશાહી છે…!’
‘લોકશાહી? આવું નામ…?’ ‘અરે… ઉસ્તાદ, આ નામ તો મને અબ્રાહમ લિંકને ભેટમાં આપેલું!”તારો ધર્મ કયો જમ્બૂરા…?’
‘લોકશાહી! લોકશાહી જેવો કોઈ ધર્મ નથી. આ એક જ ધર્મ એવો છે, જેને માટે કોઈએ હુલ્લડો નથી કયાંર્…! આ એક જ ધર્મ એવો છે જેના માટે ક્યાંય મંદિરો નથી બન્યાં!’
‘જમ્બૂરા, તારો વ્યવસાય શું છે?’
‘લોકશાહી…!’
‘શું બકે છે તું? લોકશાહીને તેં વ્યવસાય બનાવી દીધો?’
‘મેં નથી બનાવ્યો ઉસ્તાદ… આપણા વડવાઓ બનાવીને ગયા છે! મેં તો એ પરંપરાનું પાલન જ કર્યું છે…!’
‘જમ્બૂરા તને ભાન છે તું શું બોલે છે? ‘આપણા’ કહીને તું મારા વડવાઓને પણ સાંકળી દે છે.’
‘ઉસ્તાદ, તમે મારી ભાવનાત્મક ઉદારતા સમજો!’
‘તું ઉસ્તાદ છે હોં જમ્બૂરા…!’
‘અરે ઉસ્તાદ, ઉસ્તાદ તો તમે છો! આજે મને લાગે છે કે આપણે આવા ફૂટપાથ-શો બંધ કરીને રાજકારણમાં કૂદી પડવું જોઈએ…’
‘એમ? મારામાં એવી કંઈ ખાસિયત તંે જોઈ…?’  ‘કપટપણું…!’
‘વ્હોટ? મને તું કપટી કહે છે…?’  ‘આપણામાં એક પંક્તિ છે ઉસ્તાદ, કે : કાણાને કાણો ન કહીએ કડવા લાગે વેણ… પણ હળવે રહીને પૂછીએ તેં શેં ગુમાવ્યાં નેણ…?’  ‘એટલે…? તારી આ પંક્તિને મારી વાત સાથે શું સંબંધ છે?’
‘કેટલાક સંબંધ સમજાય નહીં એવા હોય ઉસ્તાદ…! હું તમને એમ કહું કે આપણે કપટકલામાં કૂદી પડવું જોઈએ તો તમને મારાં વેણ કડવાં લાગે! એવું ના લાગે એટલા માટે જ મેં કહ્યું કે આપણે… મતલબ કે તમારે રાજકારણમાં કૂદી પડવું જોઈએ…!’
‘વાહ, તું કંઈ યુનિવર્સિટીમાં ભણ્યો જમ્બૂરા…?’  ‘લોકશાહી યુનિવર્સિટીમાં!’
‘યુનિવર્સિટી પણ લોકશાહી…?’ ‘હા ઉસ્તાદ…! ભણવું હોય એ ભણે, ના ભણવું હોય એ બહાર રોડ પર ફેશન પરેડ કરે! ભણાવવું હોય એ ભણાવે અને ના ભણાવવું હોય એ સ્ટાફ રૂમમાં બેસી લોકશાહીની ચર્ચા કરે! વળી ડેમોક્રેટિક યુનિવર્સિટી એને કહેવાય, જ્યાં પરીક્ષા આપનાર નાપાસ થાય.. અને નહીં આપનાર ફર્સ્ટ ક્લાસ મેળવે…!’  ‘જમ્બૂરા…! તો તો તેં ફર્સ્ટ ક્લાસ જ મેળવ્યો હશે ખરું ને…!’
‘ના ઉસ્તાદ, મેં તો પરીક્ષા આપી’તી…!’  ‘જમ્બૂરા, આપણી ચારેબાજુ માણસો ટોળે વળીને ઊભા છે, એમને તારો ખેલ બતાવ…’ ‘કયો ખેલ ઉસ્તાદ…? લોકશાહીનો કે જોકશાહીનો’ ‘જોકશાહી? એ વળી શું છે?’ ‘એ લોકશાહીનો આત્મા છે ઉસ્તાદ! જેના વગર આપણી લોકશાહીનો કોઈ અર્થ નથી’ ‘ઓ.કે. હવે મને એ કહે જમ્બૂરા, તું શેમાં માને છે પ્રારબ્ધમાં કે પુરુષાર્થમાં…?’
‘લોકશાહીમાં…!’  ‘કારણ?’ ‘એનું એક જ કારણ છે ઉસ્તાદ, કે… લોકશાહીમાં પ્રજાનું પ્રારબ્ધ રાજકારણીઓના હવાલે હોય અને રાજકારણીઓનો પુરુષાર્થ પ્રજાને હવાલે હોય! હવે તમે જ કહો, પ્રારબ્ધ કે પુરુષાર્થમાં માનવું એના કરતાં લોકશાહીમાં માનવું જ સારું કહેવાયને…!’
‘જમ્બૂરિયા, તું તો મારોય ઉસ્તાદ થાય એવો છે હોં…!’ ‘યૂ આર રાઇટ…! પણ એવી તક જ તમે ક્યાં આપો છો?!!’
ડાયલટોન :
મારું અત્યંત જરૂરી કામ એ જ મારી પ્રાયોરિટી.
ઊંઘવું મારું અત્યંત જરૂરી કામ છે!
જ્યોર્જ બર્નાર્ડ શો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Harshad Pandya , I Democratic University , Mahabharata Ramayana , Democratic University , Source First Class , First Class , ஜனநாயக பல்கலைக்கழகம் , முதல் வர்க்கம் ,

© 2025 Vimarsana