બાળકોના રક્ષણ સાથે શિક્ષણ શરૂ થાય, એ આજની તાતી જરૂરિયાત Share અધ્યાપનના તીરેથી :- પ્રા. મહેન્દ્ર જે. પરમાર આમ જોવા જઈએ તો બધું સૂમસામ છે. શાળાઓ ભેંકાર ભાસે છે. બધે જ શંકા-કુશંકા, દહેશત અને મોતનો ખોપ છે. ચોતરફ પીડાનું સામ્રજ્ય છે. ખુશીના ખજાના ખૂંટવા લાગ્યા છે. પરિવારો ખંડિત થઈ રહ્યા છે. માતમ છવાયો છે. છતાં ભીતરમાં જીવન જીવવાની કેળવણીના અનેક નાના મોટા પ્રયોગો આપણને રણમાં મીઠી વીરડીનો અહેસાસ કરાવે છે. વર્ગખંડોનું શિક્ષણ કુદરતના ખોળે અને પ્રવૃત્તિના સથવારે રમાતું હોય, ખેલાતું હોય તેવું અનુભવાઈ રહ્યું છે, પણ જોવા માટેનું દૃષ્ટિ જોઈએ. કુદરત સૌથી મોટો શિક્ષક અને વ્યવસ્થાપક છે. કોરોના, તોકતે જેવા વાવાઝોડાં, સુનામી જેવી ઘટનાઓ, ભૂંકપના આચકાંઓ અને પૂરની હોનારતો બાળકોને ઘણું બધું શીખવે છે. ”વૃક્ષો જ આપણા સાચા મિત્રો” ”જીવો અને જીવવા દો” ના પડઘા મોડે મોડે પણ ચોતરફ પડઘાઈ રહ્યા છે. પારિવારિક ભાવના વધુ દૃઢ બની છે. સુખ દુઃખમાં ભાગીદાર બનવાનું વલણ વિકસ્યુ છે. અસરગ્રસ્ત લોકોને મદદરૂપ બનવાના માનવતાના પાઠો શીખ્યા છે. આહાર-વિહાર, નિયમિત અને સંયમિત જીવન, પૌષ્ટિક આહાર તરફ રુચિ વધી છે. તમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હશો ત્યારે એક દિવસ શાળાએ નહીં ગયા હોય તો ગુરુજીના ઠપકાનો ભોગ બન્યા હશે. શિક્ષક હશો તો સતત ૭ દિવસ ગેરહાજર રહેનાર બાળકના વાલીને નોટિસ આપી હશે. બિનફરજિયાત સતત ગેરહાજર નામ કમી કરીને શેરો લાલપેનથી બાળકના હાજરીપત્રકમાં માર્યો હશે. ધો. ૧થી ૮ની પરીક્ષાઓ નીકળી જવાથી બાળકો ખૂબ કાચા રહી ગયા હશે. અનિયમિતતાના કારણે શિક્ષણની ગુણવત્તાનો સિદ્ધિઆંક નીચે રહ્યો છે, તેના માટે સંશોધન, કઠિન મુદ્દાઓ, ડ્ઢ અને ઈ ગ્રેડની શાળાઓ માટેના ઉપાયોની વાતો સાંભળી હશે. આ બધું છેલ્લા ૧૬ મહિનાથી ઠપ થઈને પડયું છે. બાળકો શાળામાં આવતા નથી, છતાં નામ કમી થયા નથી. નાપાસ થયા નથી, વાલીને કોઈ નોટિસ અપાઈ નથી. કેટલાયે શિક્ષકો શાળાઓ ખૂલવાની રાહ જોવામાં ને જોવામાં નિવૃત્ત પણ થઈ ગયા છે. પાલનપુર ડાયટના પૂર્વ પ્રાચાર્ય ડો. જી. એન. ચૌધરી એક પ્રયોગશીલ શિક્ષક પણ છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ”અનુપમ શાળા પ્રોજેક્ટ” તેમની દેન છે. પોતાના દીર્ઘ શિક્ષણ અનુભવોના આધારે આ કોલમ લેખકને સાંપ્રત પરિસ્થિતિમાં ‘બાળકનું રક્ષણ અને શિક્ષણ’ વિષય પરની એક વિસ્તૃત નોંધ મોકલી શાળા શરૂ કરવા અંગેના અનેક મૂલ્યવાન સૂચનો કર્યા છે. જે થોડા ફેરફાર સાથે પ્રસ્તુત છે. કદાચ ! રસ્તો મળી જાય ! એક રસપ્રદ અનુભવ ટાંક્યો છે. થોડા મહિના પહેલાં એક ગામમાં જવાનું થયું. ૭૦ વર્ષના એક નિવૃત્ત શિક્ષક મળ્યા. તેમણે એક વાત કરી. અમારા ગામમાં ત્રણ શિક્ષકની શાળા છે. પણ ઓરડા ઘણા છે. વિશાળ મેદાનમાં લીમડાના ઘટાદાર વૃક્ષોનો સરસ મઝાનો છાંયડો છે. પણ શિક્ષિકાબહેન શેરીમાં ભણાવે. શાળામાં કેમ ભણાવતા નથી ? જવાબમાં કહે છે, શાળામાં ભણાવીએ તો નોટિસ મળે, પણ બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે શેરીમાં ભણાવું છું. શેરીમાં ભણાવે તો પ્રશંસા અને શાળામાં ભણાવે તો નોટિસ ! શાળામાં બાળકને કોરોના થઈ જાય અને શેરીમાં ભણાવીએ તો ના થાય ! આ પ્રશ્ન શિક્ષણ સાથે જોડાયેલા સૌ કોઈને પણ છે. ઘણા શિક્ષકો સ્વયંભૂ પોતાનો શિક્ષકધર્મ સમજી ગામડાંઓમાં શેરી શિક્ષણ આપી રહ્યા છે. તે ધન્યવાદને પાત્ર છે. શેરીઓ કરતાં પણ શાળાઓ જોડે વિશાળ પ્રાંગણ છે, ખુલ્લા બાગ-બગીચા છે. પૂરતા વૃક્ષો છે. પ્રકૃતિના ખોળે ભણવાની મજા આવે તેવું કુદરતી પર્યાવરણ છે. હાથપગ સાફ કરી સ્વચ્છ રહી શકાય તે માટેના હેલ્થકોર્નર છે. આ પ્રકારની શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને શિક્ષણકાર્ય ન ગોઠવી શકાય? આ પ્રશ્ન શિક્ષણ સાથે જોડાયેલા સૌ કોઈએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. ગુજરાતીમાં એક કહેવત છે કે, ”સાપ મરે પણ નહીં અને લાઠી તૂટે પણ નહીં.” કોરોના સામે બાળકોને કોઈ શારીરિક હાનિ ના થાય અને શિક્ષણ પણ ના બગડે તેવી કોઈ ફોર્મ્યુલા ન વિચારી શકાય ? ઓનલાઇન શિક્ષણ શિક્ષકની જગ્યા ક્યારેય ન લઈ શકે ! Online તાલીમો પણ રુચિકર બનતી નથી. વેબિનાર પણ એટલા સફળ પુરવાર થયા નથી. આ એક ટેમ્પરરી વિકલ્પ છે. પણ Face to Face Education. બેસ્ટ છે, તે નિર્વિવાદ હકીકત છે. કોરોનાની બીજી વેવ પ્રથમ વેવ કરતાં વધુ જીવલેણ પુરવાર થઈ છે. છતાં સરકારે સંપૂર્ણ લોકડાઉનનો ઉપયોગ કર્યો નથી. આંશિક છે. સલામત રસ્તો શોધી સૌ નાના મોટા ધંધા રોજગારમાં વ્યસ્ત છે. ખેતીના કામકાજ સાથે ગ્રામ્યજીવન સતત ધબકતું રહ્યું છે. સરકારી-ખાનગી ઓફિસોના કામકાજ ચાલી રહ્યા છે. પરિવહન સેવાઓ ધબકતી થઈ છે. કોરોનાની ગાઇડલાઇનના સહારો લઈને ઘણાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડાઓની જમાવટ થતી રહી છે. બાજી બાજુ છેલ્લા ૧૬ માસથી શાળાઓ બાળકો વગર સૂમસામ છે. બાળકોની હાજરી જ નથી. સંપૂર્ણ લોકડાઉન છે. જરા વિચારો ! આપણા બાળકો અને શિક્ષકોના જીવન એટલા જ મૂલ્યવાન છે. તેનાથી કોઈ મોટી ચીજ નથી. રાજ્યની ૩૫ હજાર શાળાઓની એક સમાન પરિસ્થિતિ નથી. ગ્રામ્ય વિસ્તારની ઘણી શાળાઓમાં તો ‘દો ગજની દૂરી’ની જગ્યાએ ‘દસ ગજ કી દૂરી’ રાખી શકાય તેવી વિશાળ જગ્યા છે. ગામે ગામની પરિસ્થિતિ અલગ અલગ છે. બાળકોના આખા વર્ષનું શિક્ષણ ન બગડે તે અંગે ગહન ચિંતન કરવાની જરૂર છે. કોરોનાની ગાઇડલાઇનના સંપૂર્ણ અમલ સાથે બાળકોનું રક્ષણ પણ થાય અને શિક્ષણ પણ થાય તેવો ઉપાય વધુ વિલંબ વિના કરવાની જરૂર છે. સંસદમાં પસાર થયેલ RTEA અંતર્ગત શાળાના સફળ સંચાલન માટે રચાયેલ SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એક વૈધાનિક સંસ્થા છે. પ્રાથમિક શિક્ષણને વધુ બગડતું રોકવા તેને સક્રિય કરવાની જરૂર છે. વાલી અને સ્થાનિક સંસ્થાઓને સાથે રાખીને યોગ્ય નિર્ણય લેવાની તેને સત્તા અપાય તો ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે તેમ છે. કમિટી જ શાળા અને ગામની સાપ્રંત પરિસ્થિતિનો અભ્યાસ કરી બાળકોના શિક્ષણ અંગે ઠોસ પગલાં લઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં ૫૦, ૭૫, ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૨૫૦થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓની સંખ્યા ઘણી મોટી છે. જે શાળાઓમાં સર્વ પ્રકારે પરિસ્થિતિ સલામત છે. ત્યાં વધુ વિલંબ વિના તકેદારીના તમામ પગલાં સાથે આગળ વધવાની જરૂર છે. શહેરના ગીચ વિસ્તારમાં આવેલી શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓ માટે એક પ્રકારનો નિર્ણય હંમેશાં લેવાતો હોય છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના શિક્ષણને વધુ નુકસાન પહોંચે છે. જ્યાં વધુ ગીચતા છે, કોરોના છે, ત્યાં અલગ રીતે આયોજન વિચારાય. કોરોના સામે બાળક સુરક્ષિત રહે તે માટે ગામ આગેવાનો, નિવૃત્ત શિક્ષક-આચાર્ય, સી.આર.સી., બી. આર. સી. અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળી સાપ્રંત પરિસ્થિતિમાં એક નવી વ્યવસ્થાનું ગઠન કરી બાળકોનો શાળામાં જવાનો માર્ગ ક્રમશઃ રીતે ખુલ્લો કરી શકાય. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આમાં મહત્ત્વનો રોલ ભજવી શકે તેમ છે. શાળા શરૂ કરવા માટેના મહત્ત્વના સૂચનો તરફ એક દૃષ્ટિપાત કરીએ. ૧. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે શાળાને સીધી જોડી દેવી. જેથી સમયાંતરે બાળકોના આરોગ્યની ચકાસણી થતી રહે. ૨. જેતે વિસ્તાર, જગ્યા, ઓરડાને ધ્યાનમાં રાખી દરરોજ વર્ગ દીઠ દસ બાળકો સવારના અને બપોર પછી બીજા ૧૦ બાળકો મળી કુલ ૨૦ બાળકોને બોલાવી બે કલાકનું શિક્ષણ આપવું. ૩. વર્ગની સંખ્યા પ્રમાણે બાકીના બાળકો રોટેશન પ્રમાણે બીજા, ત્રીજા દિવસે બોલાવવા. જરૂર પડે ગામની મોટા મેદાનવાળી સ્વચ્છ જાહેર જગ્યાનો ઉપયોગ કરી શકાય. ૪. બાળકોનું તાપમાન માપી પ્રવેશ અપાય. માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ થાય. બે ગજ નહીં પણ ચાર ગજનું અંતર રાખી બેઠક વ્યવસ્થા કરી શકાય. ૫. જરૂર પડે કોરોના ટેસ્ટ થાય જ્યાં થોડી પણ અસલામતી લાગે ત્યાં કાચબાની માફક પગ ખેંચી રોકાઈ જવું. ૬. સમૂહ પ્રાર્થના કે સામૂહિક પ્રવૃત્તિઓ, કાર્યક્રમો ટાળવા. ૭. દરરોજ શાળાઓના ઓરડાઓને સેનિટાઇઝ કરવા. ૮. શાળાના આઠ ઓરડા હોય તો ચાર ચાર ધોરણના દસ દસ, બાળકોને વર્ગમાં બેસાડવા અને ચાર વર્ગના બાળકો બહાર વૃક્ષ નીચે કે લોબીમાં અંતર જાળવી બેસાડી શકાય. ૯. જે દિવસે શિક્ષક શાળામાં ન આવે તે વર્ગના બાળકોને એ દિવસ પૂરતા બોલાવવા નહીં. ગુરુમંત્ર : પ્રાણવાયુના અભાવે ‘પ્રાણ’ વાયુ થઈ રહ્યો છે. કોઈ વેન્ટિલેટર પરથી વિદાય લે છે અને કોઈ બેડની પ્રતીક્ષામાં સેડ થાય છે. ક્યાંક દવાઓના બિલ ભરાતાં દિલ, કોરોનાસૂરના આતંકે ભારતવર્ષને પૃથ્વીની સાથે અંતે અજગર ભરડે ભીસ્યું છે. જગદીપ નાણાવટી નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 45424 Views 26772 Views 17912 Views 16580 Views