Share કરન્ટ અફેર :- આર. કે. સિંહા ભારત જેવા લોકશાહી દેશમાં સશક્ત વિરોધપક્ષ હોવો જરૂરી છે. લોકશાહીનો અર્થ જ વાદ-વિવાદ-સંવાદ દ્વારા લોકોની સમસ્યાઓનું સમાધાન શોધવાનો છે. જે દેશોમાં જવાબદાર અને સંઘર્ષરત વિરોધપક્ષ હોય છે, ત્યાં સરકાર હંમેશાં જનતાના હકમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. તે સરકારને સારી રીતે ખબર હોય છે કે તેના તરફથી કાંઇપણ લાપરવાહી થશે તો વિરોધ પક્ષ તેને છોડશે નહીં. પરંતુ આપણે ત્યાં વિરોધપક્ષ તો વર્ષોથી લગભગ મૃતપ્રાય થઇ રહ્યો છે. તે જ વિરોધપક્ષમાં હવે વૃદ્ધ અને અસમર્થ નેતાઓના માધ્યમથી પ્રાણ પૂરવા પ્રયાસ થઇ રહ્યો છે કે જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રચાયેલા એનડીએ ગઠબંધનને ૨૦૨૪માં પડકારી શકાય. આટલે સુધી તો બધું બરોબર છે. પરંતુ મુશ્કેલી એ છે કે એનસીપી નેતા શરદ પવાર, શેખ અબ્દુલ્લા અને યશવંત સિન્હાની પહેલ આધારે જે ત્રીજો મોરચો આકાર પામી રહ્યો છે તેમાં થાકેલા, ફૂટી ચૂકેલી કારતૂસો કે પછી બુઝાયેલા દીવડા જેવા નેતાઓ છે. કેટલાક નેતા એ પ્રકારના પણ છે કે જેમને ઘર બહાર કોઇ ઓળખતું પણ નથી. પવાર સાથે ભાજપ છોડી તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડી ચૂકેલા યશવંત સિન્હા, ક્યારેક આમ આદમી પાર્ટીમાં રહેલા આસુતોષ, આપના રાજ્યસભા સભ્ય સંજયસિંહ તેમજ ભારતીય સામ્યવાદી પક્ષના ડી. રાજા વગેરેનો સમાવેશ થાય છે. શરદ પવારના ઘેર મળેલી બેઠકમાં કરણ થાપર, પ્રીતિશ નાંદી જેવા પત્રકારો અને પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર વાય.સી. કુરેશીને પણ બોલાવવામાં આવ્યા હતા. તે બેઠકમાં ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોર પણ આવ્યા હતા. તેઓ આજકાલ અનેક નેતાઓને ભાવિ વડા પ્રધાન બનાવવાનાં વચનો આપી રહ્યાં છે. તે સમજવાની જરૂર છે કે વર્ષ ૨૦૧૪માં સદાય નિરોગી અને તંદુરસ્ત નરેન્દ્ર મોદીનું ૭૪મું વર્ષ ચાલી રહ્યું હશે જ્યારે કેન્સરના દર્દી પવાર ૮૪ વર્ષ, અસ્વસ્થ યશવંત સિન્હા અને ફારુક અબ્દુલ્લા ૮૭ વર્ષ પૂરા કરી ચૂક્યા હશે. હવે કહો આ કહેવાતા અને બની બેઠેલા નેતાઓને સહારે મોદીજીને પડકાર આપી શકાશે કે નહીં? શરદ પવાર સાથે ૭૬ વર્ષના ગીતકાર જાવેદ અખ્તર પણ આવી ગયા છે. આ એ જ જાવેદ અખ્તર છે કે જેમણે તાજેતરમાં જ ગાઝિયાબાદમાં એક દાઢીવાળા શખ્સ સાથે થયેલી મારપીટની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની ચેષ્ટા કરી હતી. પોલીસ તપાસમાં જ્યારે સ્પષ્ટતા થઇ કે કેસ આપસી શત્રુતાનો હતો. ઘટનાને સાંપ્રદાયિકતાના ચશ્માંથી જોવી સદંતર ખોટી હતી. પરંતુ હવે સમગ્ર મામલો કાચ જેવો ચોખ્ખો થતાં જાવેદ અખ્તર ચુપ રહ્યા. શરદ પવાર વિષયે તો સહાનુભૂતિ દર્શાવી શકાય તેમ છે. તેઓ કેટલાય દાયકાથી દેશના વડા પ્રધાન બનવાનું સપનું પાળીને બેઠા છે. પરંતુ અફસોસ છે કે તેમને દરેક વખતે નિષ્ફળતા મળે છે. હવે તેમણે પોતાની સાથે પ્રશાંત કિશોરને જોડી લીધા છે. અર્થાત તેમણે આશા ક્યારેય નથી છોડી. તેમની જીજિવિષાને સલામ કરવાનું મન થાય છે. શરદ પવાર સાથે યશવંત સિન્હા વિરોધપક્ષની એકતા માટે કામ કરવાનો અર્થ એ છે કે તેમને પોતાના નેતા મમતાનું સમર્થન મળી રહ્યું છે. યશવંત સિન્હા પહેલાં ભાજપમાં હતા. તે જોતાં મમતા બેનરજીને લાગે છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી તેમનું હવે પછીનું લક્ષ્ય દિલ્હી હોવું જોઇએ. અર્થાત તેમની નજર વડા પ્રધાનપદની ખુરશી પર છે. સંભવિત ત્રીજા મોરચામાં નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા પણ જોડાયા છે. યાદ રહે કે ફારુક અબ્દુલ્લા સાથે હવે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પણ નથી. જમ્મુ-કાશ્મીરના ભાવિના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ બોલાવવામાં આવેલી બેઠકમાં ઓમર અબ્દુલ્લાએ ત્યાં સુધી કહ્યું હતું કે હવે કલમ ૩૭૦ની બહાલી મુદ્દો નથી. પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કલમ ૩૭૦ બહાલીની માગણી કરી તેવા સંજોગોમાં ઓમર અબ્દુલ્લાએ ઉપરોકત ટિપ્પણી આપી હતી. શું ફારુક અબ્દુલ્લા શરદ પવાર સાથે રહીને કલમ ૩૭૦ વિષે બોલશે? યાદ રહે કે હવે જે પણ આ દેશમાં કલમ ૩૭૦ની બહાલી માટે બોલશે તેને દેશની જનતા કદી માફ નહીં કરે. દેશની જનતા ચૂંટણીમાં તેને ખારીજ કરી દેશે. ઓમર અબ્દુલ્લા પોતાના પિતાની અપેક્ષા રાજકીયરૂપે વધુ પરિપક્વ અને વ્યવહારિક છે. તેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરૂપે મોદી સરકારની નજીક આવવા પણ પ્રયાસ કરી શકે છે. તેઓ જાણે છે કે હાલમાં આ દેશમાં દૂર દૂર સુધી મોદીજીનો કોઇ વિકલ્પ નથી. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં ૨૩ જુલાઇ ૨૦૦૧થી ૨૦૦૨ સુધી વિદેશ રાજ્યપ્રધાન રહી ચૂક્યા છે. જરા તે પણ જુવો કે શરદ પવારના નેતૃત્વમાં મળેલી રાષ્ટ્રમંચની પ્રથમ બેઠકમાં કોણ જાણે કેમ કોંગ્રેસને શા માટે દૂર રાખવામાં આવી, પરંતુ બેઠક પછી કહેવા લાગ્યું કે કોંગ્રેસ વિના રાષ્ટ્રમંચ બની શકે તેમ નથી. અહીં અનેક વાત સાફ થઇ ગઇ. રાષ્ટ્રમંચને સમજાઇ ગયું કે તેમના તલમાં તેલ નથી કે તેઓ નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ લોકપ્રિય નેતાનાં નેતૃત્વમાં ચાલી રહેલી એનડીએ સરકારને પડકાર ફેંકી શકે. તેથી જ રાષ્ટ્રમંચના નેતા પણ બેઠક પછી કોંગ્રેસને યાદ કરવા લાગ્યા. જો કોંગ્રેસ કદાચ આ મંચ સાથે જોડાઇ જાય તો તેમના નેતા કોણ હશે? તેઓ આગામી ચૂંટણી માટે પોતાના વડા પ્રધાનપદના ઉમેદવાર કોને જાહેર કરશે? પવારને કે રાહુલ ગાંધીને ? શું કોંગ્રેસ રાહુલના દાવાને જતો કરશે? શરદ પવાર શું રાહુલ ગાંધીને જ દેશના આગામી વડા પ્રધાન બનાવવા માટે રાષ્ટ્રમંચ બનાવી રહ્યા છે? તે પ્રશ્નનો ઉત્તર દેશની સામાન્ય જનતાને તો જરૂર જોઇએ. યશવંત સિન્હા કહી રહ્યા છે કે રાષ્ટ્રમંચ સામે મોદી મુદ્દો નથી. રાષ્ટ્ર સમક્ષ જે મુદ્દા છે, તે જ મુદ્દા છે. તો વાત એમ છે કે મોદીજી સામે લડનારાઓ પાસે એ વાતે કહેવા કાંઇ નથી કે કયા મુદ્દે મોદીજીનો મુકાબલો કરશે. દેશ સમક્ષ તેઓ એ બિંદુઓને વિસ્તારથી મૂકે તો ખરા કે જે બિંદુઓ પર વર્ષ ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં મોદી સામે બાથ ભીડવા માગે છે. એનડીએ સરકારને પાડવાનો ઇરાદો ધરાવતા પવાર જરા એ કહે કે મહારાષ્ટ્રની જે સરકારની રચનામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી, તે કેટલી હદે ભ્રષ્ટાચાર સામે લડી રહી છે? શરદ પવાર શું કહેશે કે તેમના પક્ષના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખનાં ઘરો પર હાલમાં ઇડીના દરોડા શા માટે પડયા? જાણકારોનું કહેવું છે કે ઇડીની તપાસમાં રૂપિયા ૪ કરોડની હેરાફેરીની વાત સામે આવી છે. કહેવાતી રીતે મુંબઇના લગભગ ૧૦ બાર માલિકોએ અનિલ દેશમુખને તે આપ્યા છે. શરદ પવાર સાહેબને તો એનડીએ સરકાર વિરુદ્ધ કોઇપણ હદે જવાનો અધિકાર છે, પરંતુ તેઓ પોતાના દોષો પર પણ એક નજર નાખે. ક્યારેક ફુરસદ મળે તો જણાવે કે પ્રામાણિકતા અને પારદર્શકતા જેવા મુદ્દે તેમનું શું મંતવ્ય છે? (લેખક પૂર્વ સાંસદ છે) નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 35560 Views 29108 Views 25128 Views 23372 Views