રાજનીતિ વ&#x

રાજનીતિ વૈધવ્ય ભોગવે છે, રાજકારણ અય્યાશીમાં રાચે છે!


764
Share
રોંગ નંબર :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
ઇઝરાયેલી લેખિકા મીરા એવરેચે આરબ-ઇઝરાયેલી રાજનીતિજ્ઞાોને મળીને એક પુસ્તક લખ્યું છે :’Public Faces,Private People’. આ પુસ્તકમાં તત્કાલીન રાજનેતાઓ યાસર અરાફત અને અનવર સાદત તેમજ હોસ્ની મુબારક જેવા કટ્ટરપંથી અને ઉદારમતવાદી જનનેતાઓ વિશે લેખિકાએ લખ્યું છે. તેણે લખ્યું છે કે માણસની આંખો બોલે છે. આંખોનો જો કોન્ટેક્ટ થઈ શકે – આંખોનો જો સંપર્ક થઈ શકે તો મિલનની એક નવી જ કેમેસ્ટ્રી જન્મે છે. આ કેમેસ્ટ્રી કોઈપણ રાજકારણીને રાજનીતિજ્ઞા અને રાજનીતિજ્ઞાને મનુષ્ય બનાવે છે!
એક જમાનો હતો જ્યારે ‘રાજનીતિ’ શબ્દનો પ્રભાવ હતો, આજે એનો અભાવ છે. આજે રાજનીતિ શબ્દ પોતાના શબ્દદેહે તો છે જ, પણ એનો અર્થદેહ બદલાઈ ગયો છે. આમ તો ઉપનિષદો એવું કહે છે કે દેહ માને શરીર બદલાય છે, આત્મા બદલાતો નથી. આજના ‘રાજનીતિ’ શબ્દને આ ઉપનિષદીય સત્ય લાગુ નથી પડતું. કોઈપણ પ્રકારના સત્યથી વિમુખ અને વિમુક્ત થવું એ આજની કહેવાતી રાજનીતિનું ચારિત્ર્ય છે. પોતાના હૃદય પર હાથ મૂકીને કોઈ એમ બોલે કે ‘મારા પોતાના સમ’ તો રાજનીતિ કહેવાય, પણ પહેરેલાં કોટિ, ઝભ્ભા અને છાતીની વચ્ચે ભીનું પોતું મૂકીને પછી હૃદય પર હાથ મૂકતાં એમ બોલે કે મારા ‘પોતાના’ સમ તો એને રાજકારણ કહેવાય!
મૂળ ચાણક્યએ રાજનીતિની વાત કરી’તી. આજના ચાણક્યો રાજકારણની વાત કરે છે. એક સમય હતો જ્યારે રાજનીતિનું ચલણ હતું. આજે રાજકારણનું ચલણ છે. ‘સમદૃષ્ટિ ને સર્વસમાન’ સિદ્ધાંતોમાં માનનારા કેટલાક લોકોને રાજનીતિ અને રાજકારણમાં કોઈ જ તફાવત જણાતો નથી. ખેલાય રાજકારણ, પણ કહેવાય રાજનીતિ. રાજનીતિ અને રાજકારણ વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. પાણીમાં લીટી દોરીએ એવી!
છેલ્લા કેટલાંય વરસોથી રાજકારણ એક સાચી દિશામાં આગળ વધી રહ્યું હતું અને વધતું જ જતું હતું, જો કે આગળ વધવાની એની દિશા એકદમ સાચી હતી. કદાચ એટલે જ કોઈને એ દિશા સાચી છે કે ખોટી એ બાબતે સહેજેય શંકા નહોતી, કેમકે ખુદ રાજકારણ એ દિશામાં જઈ રહ્યું હતું! આમેય એવું કહેવાય છે કે રાજકારણ જે દિશામાં જઈ રહ્યું હોય એ દિશા હંમેશાં સાચી જ હોય! ક્યારેક એ દિશા સાવ ખોટી હોય તો પણ એ સાચી જ થઈ જાય. આ બાબતે કોઈનો વિરોધ કે વિદ્રોહ પણ જોવા નહોતો મળતો. પણ અચાનક એવું તો શું બની ગયું, કેમ બની ગયું, ક્યારે બની ગયું, કેવી રીતે બની ગયું કે રાજકારણ ઊલટી દિશામાં આગળને આગળ વધવા માંડયું.
જોકે રાજનીતિ ક્યારેય ઊલટી દિશામાં ગઈ જ નહોતી, એટલે તો એ દિશામાં પહાડો, નદીઓ, જંગલો, ખીણોનું અસ્તિત્વ અકબંધ ટકી રહ્યું હતું. પ્રકૃતિ નિર્ભય બનીને જીવતી હતી. રાજનીતિને આ માર્ગે જવું હોય તો પણ એ જઈ શકે એમ નહોતી કેમ કે ત્યાં એવી કોઈ કેડી કે નેશનલ હાઇ-વે જેવો રાજ-માર્ગ નહોતો પણ જે સમયે રાજનીતિને રિટાયર કરી દેવામાં આવી અને એની જગ્યાએ રાજકારણને એપોઇન્ટ કરવામાં આવ્યું ત્યારથી રાજકારણે ‘એ’ દિશામાં જવાનો હાઇ-વે તૈયાર કરવા માંડયો. હાઇ-વે જેમ જેમ બનતો ગયો, રાજકારણ તીવ્ર ગતિએ એ દિશામાં આગળ વધવા લાગ્યું. ‘એ દિશા એટલે કઈ દિશા એનો ઘટસ્ફોટ કરવાનો ન હોય. આજનો વાચક સમજદાર છે. બધું જ સમજે છે.
રાજનીતિને ચાહનારાઓને રાજકારણ ઊલટી દિશામાં જાય એ પસંદ નહોતું. રાજકારણના ચાહનારાઓને રાજનીતિ સુલટી દિશામાં જાય એ પસંદ નહોતું. રાજનીતિને ભલે રિટાયર કરી નાખવામાં આવી હોય, પણ એના ચાહકો તો આજે પણ છે, એમને આ ઘટનામાં ભવિષ્યમાં સર્જાનારી દુર્ઘટના દેખાતી હતી એટલે એ સૌ નિરાશ હતા, પરેશાન હતા, ઉદાસ અને હતાશ હતા એમણે ખૂબ વિરોધ કર્યો, પણ એમનું કે એમના વિરોધનું કોઈ જોર ચાલ્યું નહીં. ખુદ રાજકારણે જ એ ઊલટી દિશા પકડી લીધી હોય એવુંય બને. રાજકારણ પણ એક અદૃશ્ય વાઇરસ છે. એવો વાઇરસ, જેની ગતિ પ્રગતિનો ડ્રેસ પહેરી અધોગતિ તરફ અને ઉન્નતિનો મેકઅપ કરી અવનતિ તરફ સુપર સુપર સુપર ફાસ્ટ બુલેટ ટ્રેનની તેજ રફતારે આગેકૂચ કરી રહી છે. રાજકારણનો વાઇરસ જેટલો ગજબનાક છે એટલો જ ખતરનાક પણ છે.
જે લોકો રાજનીતિના ચાહકો હતા એ લોકોને અવળી દિશામાં જવાનું પસંદ નહોતું, અને વિરોધ કરી રહ્યા’તા એ લોકો પણ ધીરે… ધીરે… એ જ દિશામાં જવાનું પસંદ કરવા લાગ્યા. રાજનીતિનું આકર્ષણ એટલું આકર્ષક નથી હોતું, જેટલું રાજકારણનું હોય છે. રાજનીતિનું કામ સોફ્ટવેર જેવું છે અને રાજકારણનું કામ હાર્ડવેર જેવું. બંનેને એકબીજાંની જરૂર પડતી હોય છે. બંને એકબીજાં વગર અધૂરાં છે કેમકે બંને એકબીજાંનાં પૂરક છે. જોકે મૂળ ચાણક્યના સમયમાં આવું સહિયારું સમીકરણ નહોતું. પણ સમયે સમયે જેમ જેમ ચાણક્ય બદલાતા ગયા તેમ તેમ રાજનીતિ અને રાજકારણ વચ્ચેનું મેન્ટલ ડિસ્ટન્સ ઘટવા માંડયું. ઘટતાં ઘટતાં એટલી હદે ઘટી ગયું અને બંને જણાં એકમેકમાં એવાં તો હળી-મળી-ભળી ગયાં કે આજે હવે કોને રાજનીતિ કહેવી અને કોને રાજકારણ, એ જ મોટો પ્રોબ્લેમ થયો! જોકે આમેય આપણો ન્યૂ ચાણક્ય તો એવું કહે છે જ ને કે જનતા માટે જે પ્રોબ્લેમ હોય, રાજકારણીઓ માટે એ સોલ્યુશન બની જાય છે!
રાજકારણ અને રાજનીતિ આપણને નજીકનાં નંબરની દીર્ઘ દૃષ્ટિ આપે છે. જેને લીધે આપણે એટલું તો સમજી શકીએ કે કોણ રાજનીતિજ્ઞા છે અને કોણ રાજકારણી છે. પ્રજાના પ્રોબ્લેમને જે શાસક પોતાનો પ્રોબ્લેમ સમજે એ દૃષ્ટિ રાજનીતિની છે. પ્રજાના પ્રોબ્લેમમાં જે પોતાનું સોલ્યુશન શોધે એ દૃષ્ટિ રાજકારણીની છે. પ્રજાની મુશ્કેલીને પોતાની જ મુશ્કેલી સમજે એને રાજનીતિજ્ઞા કહેવાય. પ્રજાની મુશ્કેલીને પોતાની અંગત મહેફિલમાં ફેરવી નાખે એને રાજકારણી કહેવાય. સાચો રાજનીતિજ્ઞા એવું સમજે છે કે મેં રાષ્ટ્રને શું આપ્યું અથવા હું શું આપી શકું એમ છું? જ્યારે પાક્કો રાજકારણી એવું વિચારે છે કે રાષ્ટ્રે મને શું આપ્યું અથવા એ શું આપી શકે એમ છે? રાજકારણી શોર્ટ ટર્મ બેનિફિટમાં માને છે, રાજનીતિજ્ઞા લોન્ગટર્મ એડવાન્ટેજમાં માને છે. બેનિફિટ અને એડવાન્ટેજમાં એટલો ફરક છે, જેટલો અનુક્રમે રાજકારણી અને રાજનીતિજ્ઞામાં છે.
રાજનીતિની દિશામાં પ્રગતિ કરી રહેલો દેશ છેલ્લાં કેટલાંક વરસોથી રાજકારણની દિશામાં જઈ રહ્યો છે. રાજનીતિની દિશામાં જઈ રહેલા લોકો પણ કોણ જાણે કેમ રાજકારણની દિશામાં જઈ રહ્યાં છે. જૂના રાજકારણીઓની જેમ જૂના કવિઓ પણ આજે કવિતાને ચાર રસ્તે નાચતી જોઈને અરણ્યરુદન કરી રહ્યા છે ! આમાં કવિતાનો વાંક નથી, જેમ રાજકારણમાં કેટલાક સેવાભાવી-પ્રજાસેવી એજન્ટો, દલાલો અને વચેટિયાઓ હોય છે એમ સાહિત્યમાં ચાલતા શબ્દોદ્યોગમાં પણ આવા પરોપકારી-પરોપજીવી વચેટિયાઓ પોતાનું રાજ ચલાવવા કોઈક ને કોઈ કારણ શોધતા રહે છે. રાજકારણ ક્યાં નથી સાહેબ?
જનતાના પૈસે ચાલતા એક કહેવાતા સાહિત્યિક ચોપાનિયાના એક તંત્રી-સંપાદકશ્રી થોડા સમય પહેલાં મળ્યા. જનતાના પૈસે બંગલાની વૈભવીય અય્યાશી ભોગવતા આ સહસનામી સંપાદકશ્રી એક જમાનામાં રાજનીતિની ચરણરજ પોતાના સ્વમાનધન્ય મસ્તક પર ધારણ કરવાનું ગૌરવ અનુભવતા’તા. આજે વરસો પછી એ જ સ્વનામધન્ય મસ્તકધારી મહાનુભાવ, રાજનીતિને રસ્તે રઝળતી કરી, રાજકારણના પગ પૂજવામાં પોતાના જીવનની ઇતિશ્રી સમજે છે. જે રાજનીતિએ આ ભાઈને પદ, પદવી, પૈસા અને ‘શ્રી’થી સન્માનિત કર્યા એ જ રાજનીતિને આ રાજભક્તે લાત મારી અને રાજકારણને પોતાના બે હાથ ફેલાવી હસતાં હસતાં કહી રહ્યા છે, ‘એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ, તું હૈ તો હર સહારા હૈ…!’ અહીં ‘હર’ના ઘણા અર્થ છે, ભાષાગત અને સંદર્ભગત પણ!
મિત્રો, રાજનીતિ આજે વૈધવ્ય ભોગવે છે અને રાજકારણ અય્યાશીમાં રાચે છે.
ડાયલટોન :
– ચાણક્ય (‘ચાણક્યના અર્થશાસ્ત્ર’માંથી)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
51816
Views
40600
Views
33120
Views
20128
Views

Related Keywords

Harshad Pandya , , National Highway , Super , New Chanakya , Short Term , Raj Run , Jahanc So Hai , Her Sahara Hai , தேசிய நெடுஞ்சாலை , அருமை , குறுகிய கால ,

© 2025 Vimarsana