Scientists Are Testing A Vaccine Against The PLAGUE Based On The AstraZeneca Coronavirus Vaccine હજારો વર્ષો જૂની બીમારીની વેક્સિન બની:કોરોના વેક્સિનના મોડેલ પર તૈયાર થઈ પ્લેગની રસી; ઉંદરોમાંથી માણસોમાં ફેલાય છે પ્લેગ એક દિવસ પહેલા કૉપી લિંક ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સિનના મોડેલ પર પ્લેગની રસી તૈયાર કરી પ્લેગના સૌથી વધારે કેસ આફ્રિકા, એશિયા અને અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે હજારો વર્ષો જૂની બીમારી પ્લેગ માટે ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવી છે. કોરોના વેક્સિનના મોડેલ પર તૈયાર થયેલી આ રસીના પ્રથમ ફેઝનું ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. તેમાં 18થી 55 વર્ષના 40 લોકોને સામેલ કરવામાં આવશે. ટ્રાયલ દરમિયાન વેક્સિનની આડઅસર અને બીમારી સામે લડત આપનારી એન્ટિબોડી કેટલી અસરકારક છે તે સમજવામાં આવશે. પ્લેગની વેક્સિન એટલા માટે જરૂરી છે કારણે કે આજે પણ તેના કેસ સામે આવી રહ્યા છે. પ્લેગના સૌથી વધારે કેસ આફ્રિકા, એશિયા અને અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના ડાયરેક્ટર, સર પોલાર્ડનું કહેવું છે કે, મહામારીએ લોકોને વેક્સિનનું મહત્ત્વ સમજાવ્યું છે. સાથે જ જણાવ્યું છે કે વાઈરસ-બેક્ટેરિયાથી બચવા માટે તે કેટલી જરૂરી છે. હજારો વર્ષોથી માનવ જાતિ પ્લેગથી પીડિત છે અને તેનો ડર હજુ પણ યથાવત છે. તેથી તેનાથી બચવા વેક્સિન જરૂરી છે. પ્લેગનું કારણ શું છે અને તે કેવી રીતે ફેલાય છે ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપનું કહેવું છે કે, પ્લેગ થવાનું કારણ યેર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયાનું સંક્રમણ છે. આ બીમારીના વાહક ઉંદર છે. સંક્રમિત ઉંદરોના કરડવા પર સંક્રમણ ફેલાય છે. પ્લેગનું સંક્રમણ થવા પર ભારે તાવ, લિમ્ફ નોડ (લસિકા ગ્રંથિ)માં સોજો, શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય છે. કેટલાક કેસમાં ઉધરસ દરમિયાન મોંમાંથી લોહી પણ આવે છે. સારવાર ન થવા પર દર્દીનું મૃત્યુ થઈ શકે છે. સંક્રમિત ઉંદરના કરડવા સિવાય સંક્રમિત જાનવરના આસપાસ રહેવાથી અથવા તેમના સંપર્કથી પણ આ બેક્ટેરિયા ફેલાય છે. સંક્રમિત વ્યક્તિના લાળના સંપર્કમાં આવવાથી સ્વસ્થ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. એન્ટિબાયોટિક્સની મદદથી તેની સારવાર કરી શકાય છે. પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં પર્યાપ્ત સુવિધા ન હોવાથી તેના કેસ વધી રહ્યા છે. આફ્રિકા, એશિયા અને અમેરિકાના ગ્રામીણ વિસ્તારો સહિત દુનિયાભરમાં 2010થી 2015માં પ્લેગના કારણે 3248 કેસ સામે આવ્યા તો 548ના મૃત્યુ થયાં. પ્લેગ 3 પ્રકારનો હોય છે બ્યુબોનિક પ્લેગ આ બીમારીનો પ્રારંભિક તબક્કો છે. સંક્રમણ બાદ તાવ, માથાનો દુખાવો, ધ્રૂજારી, થાક અને લિમ્ફ નોડમાં સોજા જેવાં લક્ષણ જણાય છે. સારવાર ન થવા પર બેક્ટેરિયા ધીરે ધીરે તેની સંખ્યા વધારી શરીરમાં ફેલાવા લાગે છે. સેપ્ટિસીમિક પ્લેગ આ સ્ટેજમાં પ્લેગની અસર ચામડી પર દેખાવા લાગે છે. તેમાં દર્દીની સ્કિન કાળી પડી જાય છે. હાથ પગની આંગળી અને નાકની ચામડી કાળી પડી જાય છે. બ્યુબોનિક પ્લેગની સારવાર ન કરવા પર તે સેપ્ટીસીમિક પ્લેગમાં પરિવર્તિત થઈ જાય છે. ન્યુમોનિક પ્લેગ આ સૌથી ગંભીર પ્લેગ છે. બ્યુબોનિક અને સેપ્ટિસીમિક પ્લેગની સારવાર ન કરવા પર બેક્ટેરિયા ફેફસાં સુધી પહોંચી જાય છે. આ સ્ટેજમાં પ્લેગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં વેક્સિનથી બીમારી રોકી શકાય છે વેક્સિન એક્સપર્ટ ક્રિસ્ટીન રોલિયર કહે છે કે, ગ્રામીણ ક્ષેત્રોમાં એન્ટિબાયોટિક્સની મદદથી પ્લેગની સારવાર કરી શકાય છે. આ ક્ષેત્રમાં બીમારી રોકવા માટે વેક્સિન મોટું હથિયાર સાબિત થઈ શકે છે. પ્લેગની વેક્સિનને ઈન્જેક્શનની મદદથી લગાવી શકાય છે. અન્ય સમાચારો પણ છે...