The Excavation Work Lasted For 15 Years Dholavira, A Town Of Five Thousand Years Of Culture આર્કિયોલોજિસ્ટની કેફિયત:ધોળાવીરામાં સંશોધન કરનારા બિસ્ટે કહ્યુ, ‘સાઈટ ખોદવાનું કામ 15 વર્ષ સુધી ચાલ્યું હતું, ખોદકામથી શરીર તૂટતું, આંગળા છોલાઈ જતા‘ અમદાવાદ6 કલાક પહેલા કૉપી લિંક ધોળાવીરા નગરરચનાં, કિલ્લેબંધી, આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે. 1984માં ગુજરાતની 20 દિવસની સફરે નીકળેલા ડો. આર. એસ. બિસ્ટે ધોળાવીરા જોતાં જ ત્યાં તંબુ ડેરા નાંખ્યા હતાં ગુજરાતનાં ગૌરવસમી હેરિટેજ સાઇટને આજે વૈશ્વિક હેરિટેજનો દરજ્જો મળતાં સૌથી વધુ ખુશી પદ્મશ્રી ડો. આર. એસ. બિસ્ટને થઇ છે. કેમ કે તેમનાં જ વડપણ હેઠળ 1990થી લઇને 2005 દરમિયાન ધોળાવીરામાં ખોદકામ કરીને હડપ્પીય સંસ્કૃતિનાં આધુનિક નગર ધોળાવીરાની શોધ કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન ડો. બિસ્ટે કહ્યું હતું કે, દેશ અને મારા માટે આ ગૌરવની વાત છે. 1984માં મારું આર્કિયોલોજિસ્ટ તરીકે ગુજરાતમાં પોસ્ટિંગ થયું ત્યારે અમે 20 દિવસની ગુજરાતનાં મોન્યુમેન્ટ્સ જોવા માટેની એક ટુર ગોઠવી હતી. જેમાં પાંચેક દિવસે અમે ધોળાવીરા પહોંચ્યા હતાં. ત્યાંની સાઇટ જોઇને મેં બાકીની ટુર કેન્સલ કરીને ત્યાં જ ડેરા તંબુ નાંખ્યા હતાં. દોરડું મંગાવીને માપ લેવાનું શરૂ કરતાં ખ્યાલ આવ્યો કે આ નગર જેટલું ટેકરા પર છે તેટલું જ જમીનમાં છે અને તેની ફરતે કિલ્લેબંધી પણ છે. આ નગરનું ટાઉન પ્લાનિંગ એટલું મજબૂત હતું કે ત્યાં દરેક સ્થળ યોગ્ય મેથેમેટીક્સ અને ચોક્સાઇનાં ઉપયોગનું ભાન કરાવતું હતું. ત્યાર બાદ 1990માં અમને તેને ખોદવાની પરવાનગી મળી જે 15 વર્ષ સુધી ચાલી. ખોદકામથી અમારું શરીર દિવસો સુધી દુખતું. આંગળા પણ છોલાઇ જતાં. કોટડા ટીંબાને ધોળાવીરા નામ અપાયું: સરપંચ ધોળાવીરા નગર જ્યાં હતું તે સ્થળ કોટડા ટીંબા (ટેકરા પરનો કોટ) તરીકે જાણીતું હતું. બાદમાં નજીકનાં ગામ ધોળાવીરાનું નામ અપાયું. સરપંચ ઝીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, અમારા પૂર્વજો પાકિસ્તાનનાં અમરકોટથી 450 વર્ષ પહેલાં આવી વસ્યા હતાં. અહીં નજીકની બેંક અને એટીએમ માટે 100 કિમી દૂર રાપર, પેટ્રોલ પંપ માટે 60 કિમી દૂર જવું પડે છે. સરકારે શરૂ કરેલી તોરણ હોટલ પણ 5-7 વર્ષથી બંધ છે. ધોળાવીરા હવે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયુ ટુરિસ્ટ સૌથી વધુ સવાલ કયો પૂછે છે? ધોળાવીરાના સ્થાનિક ગાઇડ નાગજી પરમારે કહ્યું કે, નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કચ્છ ઉત્સવ વખતે અહીં પ્રવાસીઓ આવે છે. અહીં સૌથી વધુ પ્રવાસીઓ પાણી સંગ્રહ અને નગર કેમ વસ્યું તે બાબતે સવાલો પૂછે છે. ધોળાવીરાનાં પાણીનો સંગ્રહ બતાવે છે કે ત્યાં એક એક ટીપાનું મહત્ત્વ હતું. જેનો સંગ્રહ કરવામાં આવતો હતો. ધોળાવીરા નામ કેવી રીતે પડ્યું ધોળાવીરા જે ગામ છે ત્યાં અંદાજિત 500 થી 600 વર્ષ પૂર્વે ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરા( વિરડા) વહેતા હતા તેના પરથી ધોળાવીરા ગામનું નામ ધોળાવીરા પડ્યું હતું. હડપ્પા સાઈટનું નામ કોટડા ટીમ્બા છે રાજાશાહી વખતે જે નગર કે શહેરમાં કોટ બનાવવામાં આવતા એ પ્રમાણે ધીલાવીરા ગામથી થોડે દુર ઊંચાઈ એટલે કે ટેકરો જેને વાગડની ભાષામાં ટિમ્બો કહેવામાં આવે છે. માટે ટીમ્બા પરનો કોટ એટલે કોટડા ટીમ્બા. 1991ના સંશોધન બાદ સાઈટનું નામ કોટડા ટિમ્બોના સ્થાને ધોળાવીરા તરીકે અમલમાં આવ્યું આમ સંશોધકો દ્વારા હડપ્પા સાઈટનું નામ ધીલાવીરા તરીકે ખ્યાતિ પામ્યું. આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બનશે કચ્છના ખડીર બેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બને તેવી જાહેરાત કરવામાં આવી છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતુ આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે. 1991-92માં સંશોધન કરવામાં આવ્યું હતું કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડાએ ડો. મહેશ ઠક્કરે અગાઉ જણાવ્યું હતું કે, સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલા થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાના અનેક રહસ્યો બહાર આવવા લાગ્યા હતા. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયુ હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી. જેમાં ધોળાવીરાની આસ-પાસ ભૂસ્તરીય મહત્વના સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને તેનું મહત્વ આઁતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે તે વિશે કહેવમાં આવ્યું હતું. અન્ય સમાચારો પણ છે...