Share નોકરી, લગ્નની લાલચ અને ધોકાથી હિંદુઓને મુસ્લિમમાં કન્વર્ટ કરવાના તથા હવાલાકાંડની તપાસ કરી રહેલા યુપી એટીએસના અધિકારીઓ આજે ગુજરાત એટીએસની ટીમને સાથે રાખી વડોદરા આવ્યા હતા. યુપી એટીએસ દ્વારા કેટલાક મહત્વના દસ્તાવેજોની સાથે સલાઉદ્દીન સાથે સંકળાયેલા તેના માણસોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુપી એટીએસની ટીમે 12 દિવસ પહેલા હવાલાકાંડમાં સલાઉદ્દીન શેખ (રહે, ફતેગંજ)ને ઉંચકી ગઈ હતી. તેમજ તેના ટ્રસ્ટનું એકાઉન્ટ સંભાળતાં ફરીદમીંયા સૈયદ (રહે, તાંદલજા)ને પણ પુછપરછ માટે લઈ જવાયો હતો. યુપી એટીએસની તપાસમાં કેટલીક માહિતીઓ બહાર આવી હતી. જેથી સલાઉદ્દીને કરેલી કબુલાત પ્રમાણેના પુરાવા એકત્ર કરવા આજે યુપી એટીએસની ટીમ ગુજરાત એટીએસની ટીમને સાથે રાખી વડોદરા આવી હતી. જ્યાં એસઓજી ઓફિસમાં બેસી સલાઉદ્દીન સાથે સંકળાયેલા તથા નાણાંકિય લેવડદેવડ કરનારાઓની એટીએસ દ્વારા પુછપરછ કરાઈ હતી. ત્યારબાદ તેમના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. સલાઉદ્દીને મૌલાના ઉમરને જે લાખો રૂપિયા હવાલાથી ટ્રાન્સફર કર્યા હતા, તેમાના કેટલાક હવાલા સાધના ટોકીઝની ગલીમાં આવેલી પી.એમ. આંગડિયા પેઢી મારફતે પાડવામાં આવ્યા હતા. આ હવાલાની પણ એટીએસ દ્વારા તપાસ કરાઈ રહી છે. હજૂ યુપી એટીએસની ટીમ વડોદરામાં જ રોકાઈ છે. આગામી દિવસોમાં શંકાસ્પદ વ્યવહારોને લઈ અનેક લોકોની પણ પુછપરછ થાય તેવી શક્યતાઓ છે. બીજી હકિકત એ પણ સામે આવી છે કે, એક પેન ડ્રાઈવમાં કેટલીક ચોંકાવનારી માહિતીઓ હતી. જે પેન ડ્રાઈવ સલાઉદ્દીનના ખાસ માણસે તોડી નાંખી હોવાની પણ ચર્ચા છે. વડોદરાની બે સંસ્થાએ પણ વિદેશમાંથી કરોડો રૂપિયાનું ફંડ મેળવ્યું યુપીના ધર્માતરણ કેસમાં હવાલાકાંડની તપાસ કરી રહેલી એટીએસને વડોદરાની અન્ય બે સંસ્થાએ પણ વિદેશમાંથી લાખો – કરોડો રૂપિયાનું ફંડ મેળવ્યું હોવાની હકિકત જાણવા મળી છે. ઘણાં વર્ષોથી કાર્યરત આ સંસ્થાના વહીવટદારોએ પણ ફંડ અન્યત્ર ડાયવર્ટ કર્યું છે કે કેમ? તેની ગુપ્તરાહે તપાસ થઈ રહી છે. એવી પણ ચર્ચા છે કે,સંસ્થાના મુખ્ય વહીવટકર્તા હવાલાકાંડમાં પકડાયેલા સલાઉદ્દીન શેખ સાથે નિકટનો ધરોબો ધરાવે છે. ઉત્તરપ્રદેશના નોઈડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતાં મૂકબધીર બાળકો તથા અન્ય લોકોનું ધર્માતરણ કરાવવા વડોદરાથી સલાઉદ્દીન શેખ (રહે, ફતેગંજ) હવાલાથી યુપીના મૌલાના ઉમર ગૌતમને લોખો કરોડો રૂપિયા મોકલતો હતો. મુસ્લિમ મેડિકલ સેન્ટર સાથે સંકળાયેલો આરોપી સલાઉદ્દીન આફમીન ચેરીટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ વિદેશી ફંડ મેળવી તેને ધર્માતરણ રેકેટ માટે ડાયવર્ટ કરતો હતો. હાલ સલાઉદ્દીન યુપી એટીએસની હિરાસતમાં છે. આરોપીએ એટીએસની પુછપરછમાં વટાણા વેરી દીધા હતા. જેમાં કેવી રીતે વિદેશી ફંડ મેળવવામાં આવતું હતું? કોના દ્વારા મેળવવામાં આવતું હતું? રૂપિયાનો વહીવટ કેવી રીતે થતો હતો અને કોણ કરતું હતું? અન્ય રૂપિયાનું ક્યાં રોકાણ કર્યું છે? જેવી માહિતી સલાઉદ્દીને ઓકી દીધી હતી. જેને લઈ વડોદરાની બે એનજીઓની કુંડળી કાઢવાનું એટીએસએ શરૂ કર્યું છે. સૂત્રો પાસેથી એવી પણ વિગતો જાણવા મળી છે કે, બે પૈકી એક સંસ્થાના વહીવટકર્તા સલાઉદ્દીન સાથે નિકટનો ધરોબો ધરાવે છે. થોડા મહિના પહેલા લોકોમાં ધર્માતરણનું ઝેર ફેલાવવા મૌલાના ઉમર ગૌતમ વડોદરા આવ્યો હતો, ત્યારે સલાઉદ્દીનની સાથે એનજીઓનો વહીવટકર્તા પણ સાથે હતો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 14, 2021