Share કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજતાં તેમના રાજીનામાની અટકળોએ વેગ પકડયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વધતી જતી વય અને ખરાબ તબિયતની દલીલ સાથે યેદિયુરપ્પાએ વડાપ્રધાનને રાજીનામું ધરી દીધું હતું. જો કે શનિવારે તેમણે આ સમાચારોને રદિયો આપતાં જણાવ્યું હતું કે બિલકુલ પણ નહીં. તેમણે આ સમાચારોને અફવા ગણાવીને તેને રદિયો આપ્યો હતો. જો કે શનિવારે યેદિયુરપ્પાએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત લીધી હતી. તે પછી રાજકીય પંડિતો માની રહ્યા છે કે, યેદિયુરપ્પા મુખ્યમંત્રીપદ છોડવા તૈયાર છે પણ તેમની કેટલીક શરતો છે જેમાં પોતાના પુત્રને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાની માગણીનો પણ સમાવેશ થાય છે. અમિત શાહે કર્ણાટકમાં પક્ષને મજબૂત કરવા કહ્યું – યેદિ અમિત શાહ સાથેની બેઠક બાદ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે ગૃહપ્રધાને મને કર્ણાટકમાં પક્ષને મજબૂત કરવાની જવાબદારી લેવાની વાત કરી હતી અને મેં જણાવ્યું છે કે હું પીછેહઠ નહીં કરું અને પૂરેપૂરી જવાબદારી લઈશ. તેમણે ઉમેર્યું હતું કે જેપી નડ્ડાએ પણ રાજ્યમાં કર્ણાટકમાં ભાજપ ફરીથી કર્ણાટકમાં સત્તા પર આવે તે બાબત પર વધારે ભાર મૂક્યો હતો, વડાપ્રધાને પણ એજ કહ્યું હતું. યેદિયુરપ્પા શનિવારે સાંજે જ બેંગ્લુરૃ પરત ફરવાના હતાં. નોંધનીય છે કે કર્ણાટક ભાજપના કેટલાક અસંતુષ્ટ નેતાઓ દ્વારા યેદિયુરપ્પા અને તેના પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપો મુકાયા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery