આજે શનિવાર છે, તારીખ 17 જુલાઈ, અષાઢ સુદ આઠમ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે.
2) ગુજરાત હાઇકોર્ટ અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરશે, ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમન્ના સત્તાવાર શરૂઆત કરાવશે.
3) જગવિખ્યાત સોમનાથ મંદિર આજથી દર્શન માટે સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી સળંગ ખુલ્લું રહેશે.
4) અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી રોબોટિક અને એક્વાટિક ગેલરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) રાજ્યનાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 11 દિવસ લંબાવાયો, વોટર પાર્કસ અને સ્વિમિંગ પૂલ 60 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
રાજ્યમાં કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલાં નિયંત્રણોમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાંક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણય અંતર્ગત 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. જ્યારે વોટર પાર્ક્સ અને સ્વિમિંગ પૂલ 20 જુલાઈથી ખોલી શકાશે.
2) ગુજરાતને વિકાસની ભેટ, PM મોદીનું 25 મિનિટનું ભાષણ, 1200 કરોડનાં 5 વિકાસકાર્યનું ઉદઘાટન
PM મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન, 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાને મજામાં? પૂછીને સંબોધન શરૂ કર્યું હતું. 25 મિનિટ ભાષણ કર્યું અને અંદાજે 1200 કરોડનાં વિકાસકાર્યોનું એકસાથે લોકાર્પણ કર્યું હતું.
3) 'પરિવાર અને રૂઢિચુસ્ત સમાજ પ્રેમસંબંધ નહીં સ્વીકારે', એવા ડરથી વડોદરાના દોડકામાં પ્રેમી-પ્રેમિકાનો આપઘાત
વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતાં પ્રેમી-પંખીડાંએ દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. રૂઢિચુસ્ત સમાજ લગ્નની મંજૂરી આપશે નહીં, એવા ડરથી પ્રેમી-પંખીડાંએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
4) સ્વામિનારાયણ મંદિરમાં શીશ ઝુકાવ્યા બાદ વલસાડના બિલ્ડરને હાર્ટ-અટેક આવ્યો, ઢળી પડ્યા બાદ મૃત્યુ, જીવનનાં અંતિમ દર્શન બન્યાં
સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતી વખતે વલસાડના જાણીતા બિલ્ડરને હાર્ટ-અટેક આવતાં મોત નીપજ્યું હતું. મંદિર પરિસરમાં બનેલી આ ઘટનાનો શોકિંગ વીડિયો સામે આવ્યો હતો. મંદિરમાં પહોંચેલા જયંતીભાઇ ખાલપ ભગવાનને શીશ ઝુકાવીને બંને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા એ જ સમયે હાર્ટ-અટેક આવતાં તેઓ નીચે પટકાયા હતા અને શ્રીજીનાં ચરણોમાં શરણ થયા હતા.
5) અફઘાનિસ્તાનમાં સ્પેશિયલ ફોર્સિસ મિશનનું કવરેજ કરતાં પુલિત્ઝર અવૉર્ડ વિજેતા ભારતીય ફોટો-જર્નલિસ્ટની હત્યા કરાઈ
અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય ફોટો-જર્નલિસ્ટની કવરેજ કરતા સમયે હત્યા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં સતત સ્થિતિ બગડી રહી છે. હવે પત્રકારો પણ સુરક્ષિત રહ્યા નથી. ભારતીય ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની એક ન્યૂઝ કવરેજ દરમિયાન સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયેલી ઝપાઝપીમાં હત્યા કરવામાં આવી છે.
6) ત્રીજી લહેર અંગે PM મોદીની ચેતવણી; મહારાષ્ટ્ર, કેરળમાં કોરોનાના વધતા કેસ અંગે વ્યક્ત કરી ચિંતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 6 રાજ્યના મુખ્યમંત્રી સાથે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, આન્ધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને કેરળના મુ્ખ્યમંત્રીએ હાજરી આપી હતી. ત્રીજી લહેર અંગે ચેતવણી આપતાં PM મોદીએ જણાવ્યું હતું કે આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને વેક્સિન મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે રાજ્યોમાં કેસ વધી રહ્યા હોય એની યાદી બનાવવી જોઇએ.
7) યુરોપના અનેક દેશોમાં વિનાશકારી પૂર; જર્મનીમાં 68નાં મોત, આશરે 100 લોકો ગુમ, ચાન્સેલર મર્કેલે કહ્યું-તેમનું કાળજું કંપી ઊઠ્યું
પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને લીધે જર્મનીમાં અત્યારસુધીમાં 68 અને બેલ્જિયમમા 9 લોકોનાં મોત થયાં છે. જર્મનીના અનેક વિસ્તારોમાં ભારે જાનહાનિ થઈ છે. અમેરિકા પ્રવાસ પર ગયેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું હતું કે પૂર પીડિતોની હાલત જોઇ તેમનું 'કાળજું કંપી ઊઠ્યું' છે.
8) મુંબઈમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી, બસો-ટ્રેન સેવાને અસર, એરપોર્ટના રન-વે પર પાણી ભરાયાં
મુંબઈમાં ગઈ મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો- વડાલા, સાયન અને ગાંધી માર્કેટના રસ્તાઓ પર પાણી ભરાયાં છે. ભારે વરસાદને કારણે બૃહન્મુંબઇ મહાનગરપાલિકાએ બસોના રૂટમાં ફેરફાર કર્યો છે, જ્યારે હાર્બરલાઇન પર ચાલતી લોકલ ટ્રેનસેવાને પણ અસર થઈ છે. ભારે વરસાદને કારણે મુંબઇ એરપોર્ટના રન-વે પર પણ પાણી ભરાઈ ગયું છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મહારાષ્ટ્રમાં ચોપર ક્રેશ, જલગાંવના જંગલમાં એવિએશન એકેડમીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા એકનું મોત, મહિલા પાયલોટની સ્થિતિ ગંભીર
2) બ્રિટન-અમેરિકામાં 11 દિવસમાં કેસ બમણા થયા અને ઇન્ડોનેશિયામાં ત્રણ ગણા નવા કેસ વધ્યા, રોજ 36થી 56 હજાર નવા કેસ આવી રહ્યા છે
3) શ્રીનગરમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીને ઠાર કર્યા; જમ્મુમાં સૈન્ય છાવણી પાસે ફરીથી નજરે પડ્યું ડ્રોન
4) રામ મંદિર ટ્રસ્ટે ફકીરે રામ મંદિરની જમીન ખરીદતાં વિવાદ, કોર્ટે ચંપત રાયને નોટિસ પાઠવી
આજનો ઈતિહાસ
આજે ઈન્ટરનેશનલ જસ્ટિસ ડે છે, વર્ષ 1998માં આજના દિવસે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ સ્થાપવા ઠરાવ પસાર થયો હતો
અને આજનો સુવિચાર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
અન્ય સમાચારો પણ છે...