Share દેશ અને દુનિયાના મેડિકલ એક્સપર્ટ્સ ગળું ફાડી ફાડીને લોકોને કહે છે કે, કોરોનાને હળવાશથી ન લો. તમારી બેદરકારી તમને અને બધાને ભારે પડી શકે છે. લોકોને જાણે કોઇ અસર જ ન થતી હોય એમ બિન્ધાસ્ત ફ્રી રહ્યા છે. આપણા દેશમાં એક એવો વર્ગ છે જે કોરોનાના બધા જ પ્રોટોકોલ બહુ ગંભીરતાથી ફેલો કરે છે. બીજો એક વર્ગ એવો છે જેને કોઇની પરવા નથી. મનાલી અને ફ્રવાનાં બીજાં સ્થળો પર જે રીતે ટોળાં ઉમટે છે એ જોઈને સમજુ લોકોના મગજની નસો તંગ થઇ જાય છે. એવા તે શું ર્ફ્યા વગરના રહી જાવ છો? સોશિયલ મીડિયા પર જાતજાતનાં મિમ્સ અને સ્ટેટસ અપલોડ થાય છે. અત્યારે હોટલોમાં જગ્યા નથી મળતી પછી હોસ્પિટલોમાં જગ્યા નહીં મળે! હજુ થોડા સમય પહેલાં જ આપણે બધાએ એવાં દૃશ્યો જોયાં છે કે, હોસ્પિટલોની બહાર લાંબી લાંબી લાઇનો લાગી હતી. દવાખાનાના દરવાજે લોકો દમ તોડી રહ્યા હતા. ઓક્સિજનના બાટલા માટે લોકો દોડાદોડી કરતા હતા. ઇન્જેક્શનો મેળવવા માટે ફંફં મારતા હતા. સ્મશાનોમાં અંતિમવિધિ માટે લાંબી લાઇનો લાગી હતી. આમ તો લોકો વિશે એવું કહેવાતું રહ્યું છે કે, લોકોની યાદશક્તિ ટૂંકી હોય છે પરંતુ જે ઘટનાઓ આપણે બધાએ જોઈ છે એ આસાનીથી ભુલાય એવી તો નહોતી જ! કોરોનાની બીજી લહેર વખતે બધાએ સરકારની ટીકા કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. સરકાર ક્યાંક થાપ ખાઇ ગઇ હતી એ વાત પણ સાચી હતી. હવે જો ત્રીજી લહેરમાં હાલત ખરાબ થઇ તો એના માટે સરકાર ઓછી જવાબદાર અને લોકો વધુ કારણભૂત હશે. સરકાર એવું પણ કહી શકશે કે, અમે તો સાવધાન કરતા હતા, લોકો ન સમજે તો અમે શું કરીએ? જે લોકોને કોરોનાનો ભય છે એ લોકો એવું કહે છે કે, મનાલી જેવાં સ્થળોએ લોકોનાં ટોળાં ઉમટે છે તો સરકાર એ સ્થળો બંધ કેમ કરાવી દેતી નથી? માસ્ક ન પહેરનાર કે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા સામે કેમ કંઈ પગલાં લેવાતાં નથી? ઉત્તર પ્રદેશની સરકારે કાવડયાત્રા ચાલુ રાખવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટે તેની સામે લાલઆંખ કરી હોવા છતાં યુપી સરકારે હજુ કાવડયાત્રા નહીં યોજાય એવું જાહેર કર્યું નથી. અમુક રાજ્યોનું ઢીલું વલણ કોરોનાને આમંત્રણ આપવા જેવું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર દરવાજે દસ્તક દઇ રહી છે. અમુક દેશોમાં તો કોરોનાની ત્રીજી લહેર આવી જ ગઇ છે. દુનિયાના ૧૦૦ જેટલા દેશોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. સમગ્ર વિશ્વમાં નોંધાતા કેસોમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આખી દુનિયામાં ગયા અઠવાડિયે કુલ ૨૯.૨૨ લાખ કેસો નોંધાયા હતા એ વધીને આ અઠવાડિયે ૩૩.૭૬ લાખ થઇ ગયા છે. ૧૬ ટકાનો આ વધારો ચિંતાજનક છે. નેધરલેન્ડમાં કોરોનાના કેસોમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. દક્ષિણ આફ્રિકામાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. સ્પેનમાં કોરોનાના કેસોમાં ૬૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રિટન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા સહિત અનેક એવા દેશો છે જ્યાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આપણા દેશ માટે હજુ એટલું સારું છે કે, કેસો એક હદથી વધતા નથી. દેશના એક નિષ્ણાતે એવું કહ્યું છે કે, ગઇ તારીખ ૪ જુલાઇથી દેશમાં ત્રીજી લહેર શરૃ થઇ ગઇ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને એવું કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે આવી પહોંચવાની છે. દેશનું હેલ્થ ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ્ મેડિકલ રિસર્ચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામે એવું કહ્યું છે કે, આવનારો સમય જોખમી છે, સાવધાન રહો. આગામી સો સવાસો દિવસો સૌથી અગત્યના સાબિત થવાના છે. આટલા સ્પષ્ટ શબ્દોમાં કહેવા છતાં પણ જાણે લોકોને કોઇ ફ્ેર જ નથી પડતો! કોરોનાની વાતને તમે હવામાનની આગાહીની જેમ લઇ ન શકો એવી ટકોર પણ કરવામાં આવી છે. અમુક લોકો તો વળી વિચિત્ર માનસિકતા ધરાવે છે. એ લોકો કહે છે કે, બીજી લહેર નબળી પડી છે અને ત્રીજી આવવાની છે ત્યારે ત્રીજી લહેર આવે એ પહેલાં ક્યાંક ફ્રી આવીએ! ઘણા લોકો એવી સલાહ પણ આપે છે કે, હમણાં વાતાવરણ સુધર્યું છે તો ક્યાંક જઈ આવો, ત્રીજી લહેર આવશે પછી ફ્રીથી પુરાઇ જવું પડશે. સાચી વાત એ છે કે, આવું વિચારનારા અને કરનારા લોકો જ કોરોનાને નોતરી રહ્યા છે. લોકો પોતપોતાના શહેરમાં પણ બિન્ધાસ્ત ફ્રવા લાગ્યા છે. લોકો પ્રોપર રીતે માસ્ક પણ પહેરતા નથી. મોટા ભાગના માસ્ક દાઢીની નીચે જ જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સ માટે દોરેલાં ચકરડાં હવે ઝાંખાં પડી ગયાં છે. દેશના દરેક માણસે પોતાની જવાબદારી સમજવી પડશે. આવતા મહિને પંદરમી ઓગસ્ટે લોકો આઝાદી અમર રહે એવું લખી-બોલીને દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરશે. પોતાનાં વાહનોમાં રાષ્ટ્રધ્વજ લગાવશે અને બીજું ઘણું બધું કરશે. અત્યારે તમે કોરોના સામે સજાગ રહો એ દેશપ્રેમ જ છે. તમને દેશ પ્રત્યે લાગણી છે? તો કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરો. દેશને આજે લોકોની સતર્કતાની સૌથી વધુ જરૃર છે. સરકારે પણ વધુ સખત બનવાની જરૃર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ સાચું છે કે, જ્યાં છૂટ લેવાતી હોય ત્યાં બંધ કરાવી દો. તમે લોકોને ફ્રવાનાં સ્થળો સુધી પહોંચવા જ શા માટે દો છો? રાજકીય કાર્યક્રમો અને જાહેર મેળાવડા પણ ફ્રીથી શરૃ થઇ ગયા છે. સરકાર ધારે તો ઘણું બધું અટકાવી શકે એમ છે. માત્ર સલાહ કે શિખામણોથી જ વાત પૂરી થઇ જવાની નથી. દેશમાં એવા લોકોની કમી નથી જે કડકાઇની ભાષા જ સમજે છે. અત્યારે થાય છે એવું કે, સારા, સજાગ અને જવાબદાર લોકો કોરોનાથી પોતાને અને દેશને બચાવવા માટે પોતાનાથી થાય એ બધું જ કરી રહ્યા છે, તેની સામે બેદરકાર લોકો આવા લોકોની અને સરકારની મહેનત ઉપર પાણી ફ્ેરવી રહ્યા છે. કોરોના એવો વાઇરસ છે જે સમયે સમયે પોતાનું રૃપ બદલતો રહે છે. વેક્સિનેશનનું કામ દેશમાં ચાલી રહ્યું છે પણ આખા દેશને રસી આપવામાં હજુ ઘણો સમય લાગવાનો છે. સરકારે તો જે કરવું હશે એ કરશે, લોકોએ પોતાની જવાબદારી નિભાવવાની છે. ત્રીજી લહેરની રાહ ન જુઓ, માની લો કે, ત્રીજી લહેર આવી ગઇ છે અને સજાગ થઇ જાવ, બેદરકારી મોંઘી પડી શકે છે!